Get The App

વર્ક પરમિટ વિઝાના નામે 21 જણા સાથે રૂા. 31 લાખની છેતરપિંડી

Updated: May 27th, 2025

GS TEAM


Google News
Google News
વર્ક પરમિટ વિઝાના નામે 21 જણા સાથે રૂા. 31 લાખની છેતરપિંડી 1 - image


યુરોપ અને અન્ય દેશોના 

ઉત્તરાખંડ અને દિલ્હીના શખ્સો સામે અરજીના આધારે પ્ર.નગર પોલીસ મથકમાં છ મહિના બાદ ગુનો નોંધાયો

રાજકોટ: યુરોપ અને અન્ય દેશોના વર્ક પરમિટ વિઝા અપાવવાના બહાને રાજકોટમાં ૨૧ જણા સાથે રૂા. ૩૧ લાખની છેતરપિંડી થયાની ફરિયાદ નોંધાઇ છે. પ્ર.નગર પોલીસે ઉત્તરાખંડના કાશીપૂરના મહમદ આવેઝ અને દિલ્હીના જનકપૂરીમાં રહેતા અફલાક અહેમદ સામે ગુનો દાખલ કરી તપાસ હાથ  ધરી છે.

સિંધી કોલોની મેઇન રોડ પર રહેતા અને ઘર પાસે જ એટલાસ ઇન્ટરનેશનલ નામની ઇમીગ્રેશનની પેઢી ધરાવતા વારીસઅલી (ઉ.વ.૨૬)એ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે ૮-૧૦ મહિના પહેલા તેને આરોપી મહમદ આવેઝે કોલ કરી કહ્યું કે મેં ઓનલાઇન તમારું વિઝા અને ઇમીગ્રેશનનું કામકાજ જોયું છે, મારી પાસે યુરોપની ઘણી બધી કન્ટ્રીની વર્ક પરમિટ-વિઝાનું કામ છે.

જેથી તેને રૂબરૂ મળવા બોલાવતા આવ્યો હતો અને કહ્યું કે દિલ્હીના જનકપૂરીનાં અફલાક સાથે વર્ક પરમિટ વિઝાનું કામ કરે છે. તેની કંપનીનું નામ એટીએ વિઝા હબ છે. ત્યાર પછી અફલાક સાથે ફોનમાં વાતચીત કરાવી હતી. સાથોસાથ કહ્યું કે અમે બંને ભાગીદાર છીએ, કામ થઇ ગયા પછી જ તમારે રૂપિયા આપવાના રહેશે. 

આ પછી તે રૂબરૂ કાશીપૂર જઇ મહમદ આવેઝને મળ્યો હતો. જેણે અન્ય લોકોના વિઝા-ટીકીટ, કોન્ટ્રાક્ટ વગેરે બતાવ્યા હતાં. જે જોઇ વિશ્વાસ આવતા તેની સાથે કામ કરવાનું નક્કી કરી તેણે પોતાના પરિવારજનો અને અન્યોના મળી કુલ ૨૧ જણાના ડોક્યુમેન્ટ મહમદ આવેઝને મોકલ્યા હતાં. થોડા દિવસો બાદ તેને તમામના વિઝા મોકલી આપ્યા હતાં. સાથોસાથ પેમેન્ટનું કહેતા તેણે કુલ રૂા. ૩૧ લાખ ચૂકવ્યા હતા. 

જેની સામે મહમદ આવેઝે ૧૫ દિવસમાં તમામના પાસપોર્ટ, વર્ક પરમિટ વિઝા અને ફલાઇટની ટીકીટ મોકલી આપવાનું કહ્યું હતું. શરૂઆતમાં તેણે ૫ જણાને વિદેશ મોકલવાનું કહી તેમની ફલાઇટ ટીકીટ અને વર્ક પરમિટ વિઝા મોકલી આપ્યા હતાં. ફલાઇટ ટીકીટ ગઇ તા. ૫-૧૨-૨૦૨૪ની હતી. 

બધાને આગલા દિવસે એટલે કે તા. ૪ના રોજ મુંબઇ પહોંચી જવાનું કહ્યું હતું. આ સ્થિતિમાં તેણે મુંબઇ એરપોર્ટ ઉપર કોલ કરી ટીકીટ બૂક થયાની ખાતરી કરી લીધી હતી. ત્યાર પછી પાંચેય જણા મુંબઇ એરપોર્ટ પર પહોંચ્યા ત્યારે જાણવા મળ્યું હતું કે તમામની ફલાઇટ ટીકીટ કેન્સલ કરી નાખવામાં આવી છે. 

જેથી મહમદ આવેઝને કોલ કરતાં બહાના બતાવ્યા હતાં. આખરે રૂબરૂ તેની ઓફિસે ગયો હતો. ૨૫ દિવસ ત્યાં રોકાયો હતો જે દરમિયાન છેતરપિંડી થયાનું માલુમ પડતાં પ્ર.નગર પોલીસ મથકમાં અરજી આપી હતી. જેના આધારે ગઇકાલે છ માસ બાદ પોલીસે બંને આરોપીઓ સામે ગુનો દાખલ કર્યો હતો.

છેતરપિંડીનો ભોગ બનેલા 21 જણાની યાદી

રાજકોટ: છેતરપિંડીમાં ફરિયાદી વારીસઅલીએ રૂા. ૩ લાખ ગુમાવ્યા હતા. આ ઉપરાંત અન્ય ભોગ બનેલાઓમાં નીતિન પટેલ (રૂા. ૧ લાખ), ગોવિંદ ગઢવી (રૂા. ૧ લાખ), ધર્મેશ કોટીયા (રૂા. ૧.૧૦ લાખ), હિરેન મહેરીયા (રૂા. ૩.૭૫ લાખ), અંજુમબેન અસલમભાઈ (રૂા. ૭૫ હજાર), સૈયદ મહમદ અનસ હાસમભાઈ (રૂા. ૪ લાખ), ઇશ્વરભાઈ લોઢારી (રૂા. ૧.૩૦ લાખ), સોયેબ સૈયદ (રૂા. ૧ લાખ), ગુલામ સંજરખાન (રૂા. ૧.૧૦ લાખ), રવિન્દ્ર રિનોય (રૂા. ૧.૨૦ લાખ), અમન દલ (રૂા. ૫૦ હજાર), અંકિત (રૂા. ૧.૩૦ લાખ), હીના સીંગરખીયા (રૂા. ૧.૩૦ લાખ), સલમાન વ્હોરા (રૂા. ૩૦ હજાર), ગૌરાંગ પટેલ (રૂા. ૧ લાખ), અમનદીપ સિંહ (રૂા. ૧.૨૦ લાખ), નૂર દસ્તગીર સૈયદ (રૂા. ૧ લાખ), અય્યાઝ સૈયદ (રૂા. ૧ લાખ), તારીફ હુસેન સૈયદ (રૂા. ૧ લાખ), નૂર આલમ (રૂા. ૧.૧૦ લાખ) અને સોહીલખાન યુસુફખાન પઠાણ (રૂા. ૧.૫૦ લાખ)નો સમાવેશ થાય છે. 

રૂા. ૨૨ લાખ આરોપીઓને બેન્ક ખાતાની મદદથી જ્યારે રૂા. ૯ લાખ રોકડા આપ્યા હતાં. 

કોમ્પ્યુટરમાં એડીટ કરેલા વર્ક પરમિટ વિઝા મોકલ્યા હતા

રાજકોટ: ફરિયાદી વારીસઅલીએ જણાવ્યું કે આરોપીએ તમામ ૨૧ જણાના જે વર્ક પરમિટ વિઝા મોકલ્યા હતા તે બોગસ હતા. કોમ્પ્યુટરમાં એડીટ કરી આ વિઝા બનાવી મોકલ્યા હતાં. ફલાઇટની ટીકીટ બૂક કરાવ્યા બાદ કેન્સલ કરાવી નાખી હતી. આ રીતે તેની સાથે છેતરપિંડી થતા ગત ડીસેમ્બર માસમાં પ્ર.નગર પોલીસમાં અરજી કરી હતી. 


Tags :