મારેઠા ખાતેથી મગરોના વધુ ૨૧ જેટલા ઇંડા મળ્યા
કમાટીબાગના ઝૂમાં ઇંડા કૃત્રિમ રીતે સેવાય તે માટે લવાયા ઃ અગાઉ પણ ૨૧ ઇંડા મળ્યા હતા
વડોદરા,વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હાલમાં વિશ્વામિત્રી પ્રોજેકટની કામગીરી હવે બીજા કિનારા પર શરૃ કરવામાં આવી છે, જેમાં ત્રણ દિવસ અગાઉ મારેઠા ખાતેથી મગરના ૨૧ ઇંડા મળી આવ્યા હતા.
આ ઇંડાને સહી સલામત કમાટીબાગના ઝૂમાં લાવવામાં આવ્યા છે અને ખાસ ઇન્ક્યુબેટર જેવા બનાવેલા ડબામાં રાખી દેવામાં આવ્યા છે. મગરના ઇંડાનો ઇન્ક્યુબેશન પીરિયડ ૪૮ દિવસ જેટલો હોય છે.
પક્ષીઓના ઇંડાને તો જરૃરી ભેજ અને ગરમી મળી રહે તે માટે ઇન્ક્યુબેટર્સમાં રાખવા પડે છે, તેમ મગરના ઇંડાને તેમાં રાખવા પડતા નથી કેમ કે તેનું સેવન સીધા સૂર્યપ્રકાશમાં જ થાય છે. જો કે ઇંડાને સેવન થવા માટે થોડા ભેજની જરૃર રહે છે એટલે ડબામાં ભેજ મળતો રહે તેવી વ્યવસ્થા કરાય છે. પાંજરામાં ડબામાં ઇંડા મૂકેલા હોવાથી તે સુરક્ષિત રહે છે. ઝૂમાં મગરના બચ્ચા સામાન્યતઃ મે મહિનાના અંતે અથવા જૂનના પ્રારંભમાં જોવા મળે છે. આ અગાઉ પણ બાગની પાછળના ભાગેથી મગરના ૨૧ ઇંડા મળ્યા હતા, જેને કૃત્રિમ સેવન માટે ઝૂમાં રાખવામાં આવ્યા છે. વિશ્વામિત્રી નદી મગરોનું ઘર છે અને નદીમાં મગરોનો મોટી સંખ્યામાં વસવાટ છે. મગરો તેના ઇંડા નદીના કિનારે મૂકે છે, જ્યાં જમીનમાં તે કુદરતી રીતે સેવાય છે.