Get The App

ધરોઈ ડેમને કારણે સાબરમતીમાં પાણીની ધૂમ આવક, સંત સરોવરના 21 દરવાજા ખોલાયા

Updated: Aug 25th, 2025

GS TEAM

Google News
Google News
ધરોઈ ડેમને કારણે સાબરમતીમાં પાણીની ધૂમ આવક, સંત સરોવરના 21 દરવાજા ખોલાયા 1 - image


Sant Sarovar Dam In Gandhinagar: ગુજરાતમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. ત્યારે વરસાદી પાણીની આવકથી મોટા ભાગના ડેમ છલોછલ થયા છે. ગાંધીનગરના સંત સરોવર ડેમમાં નવા નીરની આવક થતાં તમામ 21 દરવાજા ખોલવા પડ્યા છે. સંત સરોવર ડેમમાં 66,215 ક્યુસેક જેટલા પાણીની આવક થતાં સપાટી 52.45 મીટર સુધી પહોંચી છે. બીજી તરફ મહેસાણાના ધરોઈ ડેમની સપાટી જાળવી રાખવા માટે ડેમના 8 દરવાજા ખોલવામાં આવ્યા છે. આ દરવાજામાંથી 64,144 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે, જેના કારણે સાબરમતી નદી બે કાંઠે વહી રહી છે.




ગાંધીનગર જિલ્લાના અનેક ગામોને ઍલર્ટ કર્યા

મળતી માહિતી અનુસાર, ઉપરવાસમાં ભારે વરસાદ થતા ધરોઈ ડેમમાં નવા પાણીની આવક થતા સંત સરોવરમાં પાણી છોડવામાં આવ્યા હતા. આથી, સંત સરોવર ડેમની સપાટી 52.45 મીટર સુધી પહોંચી હતી. પાણીની આવક વધતા સંત સરોવરમાંથી હાલ 63,224 ક્યુસેક પાણી સાબરમતીમાં છોડવામાં આવ્યા છે. આ ઉપરાંત ગાંધીનગર જિલ્લાના વલાદ, રાયસણ, રાંદેસણ, ભાટ, કોબા, પેથાપુર, પાલજ, શાહપુર, ઇન્દ્રોડા, બોરિજ સહિત 28 જેટલા ગામોમાં ઍલર્ટ કર્યા છે. જ્યારે સંવેદનશીલ જગ્યાઓ પર ફાયર અને પોલીસ પોઇન્ટ મુકાયા છે અને તંત્ર દ્વારા પણ નદી કિનારાનાં ગામડાઓમાં ફાયર વિભાગ દ્વારા સાયરન વગાડીને કિનારે ના જવા માટે સૂચના આપવામાં આવી છે.

આ પણ વાંચો: ભારતે સતલુજમાં પાણી છોડતાં પાકિસ્તાનના પંજાબમાં તબાહી, નદીઓ ગાંડીતૂર, મૃતકાંક 788 થયો


વિજયનગરની હરણાવ નદીમાં પૂર

રાજસ્થાનમાં ભારે વરસાદને કારણે વિજયનગરની હરણાવ નદીમાં પૂર આવ્યું છે. વિજયનગરના હરણાવ જળાશયમાં 11,413 ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે. આ કારણે જળાશયના ત્રણ દરવાજા 3.30 મીટર સુધી ખોલવામાં આવ્યા છે. નદી કિનારે આવેલા બંધણા, અભાપુર, મતાલી, ધોળીવાવ, વીરપુર, આંતરસુબ્બા, અંદ્રોખા, ભુપતગઢ અને કુંડલા ગામોને એલર્ટ કર્યાં છે. જ્યારે પોલો ફોરેસ્ટની ટેન્ટ સિટીમાં પણ નદીનું પાણી ઘૂસી જતાં છ કર્મચારીઓને બચાવવામાં આવ્યા. ખેડબ્રહ્મામાં સોમનાથ મહાદેવ મંદિર નજીક એક પૂજારી અને ચાર શ્રદ્ધાળુઓ પૂરના પાણીમાં ફસાયા હતા. જેને ફાયર વિભાગની ટીમે સુરક્ષિત બહાર કાઢ્યા હતા.

ગુજરાતમાં સિઝનનો 80% વરસાદ નોંધાયો

ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં ચોમાસું બરાબરનું જામ્યું છે અને અત્યારસુધી સરેરાશ 27.50 ઈંચ સાથે 80 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. જેમાં 37 તાલુકામાં 40 ઈંચથી વધુ વરસાદ નોંધાઈ ચૂક્યો છે. વરસાદની જળાશયોની આવકમાં પણ વધારો થઈ રહ્યો છે અને 207 જળાશયોમાં સરેરાશ જળસ્તર 78.82 ટકા છે. 59 જળાશયો છલોછલ થઈ ગયા છે, જ્યારે 78 જળાશયો હાઈઍલર્ટ હેઠળ છે.

Tags :