હળવદની સરા ચોકડી નજીક કતલખાને ધકેલાતા 21 પશુ બચાવાયા
ગૌરક્ષકોની ટીમે પશુઓ સાથે બે શખ્સને ઝડપી પાડયા
કચ્છના નખત્રાણા હાજીપીર બાજુથી પશુઓ ભરીને આઇશર અમદાવાદ જતી
હળવદ - હળવદ સરા ચોકડી પાસે કતલખાને ધકેલાતા જીવોને ગૌરક્ષકોની ટીમ દ્વારા ૨૧ અબોલ જીવને બચાવી લેવામાં આવ્યા છે. કચ્છના નખત્રાણા હાજીપીર બાજુથી ભરીને અમદાવાદ જતી આઇશર સાથે બે શખ્સને પકડીને ૨૧ અબોલ જીવને છોડાવી મુદામાલ પોલીસ મથકને સોપવામાં આવ્યો છે.
મોરબી ગૌરક્ષકોની ટીમને બાતમી મળી હતી કે કચ્છ તરફથી માળિયા હળવદ થઈને અમદાવાદ એક આઈશરમાં અબોલ જીવ ભરીને કતલખાને ધકેલવામાં આવી રહ્યા છે. મોરબી, રાજકોટ, લીંબડી, ધ્રાંગધ્રા, હળવદ, ચોટીલા સહિતના સેન્ટરના ગૌરક્ષકોએ વોચ ગોઠવી હતી અને હળવદ સરા ચોકડી પાસે બાતમીવાળો આઇશર પસાર થતાં તેને રોકી ચેક કરતા ૨૧ અબોલ જીવ મળી આવ્યા હતા. આઇશરમાં ૨૧ પાડા ખીચોખીચ હલનચલનના કરી સકે તેવી રીતે ઘાસચારો કે પાણીની વ્યવસ્થા વિના પરિવહન કરતા મળી આવ્યા હતા. જેની પૂછપરછમાં કચ્છ નખત્રાણા હાજીપીર બાજુથી ભરીને અમદાવાદ લઇ જવાની કબુલાત આપી હતી જેથી અબોલ જીવોને બચાવી હળવદ પાંજરાપોળમાં મુકવામાં આવ્યા છે. આઈશર ગાડી અને બે આરોપીઓ હળવદ પોલીસને સોપવામાં આવતા પોલીસે કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.