Gujarat

ટેકનો ઇલેક્ટ્રોમેક કંપની વડોદરાથી શિફ્ટિંગના ભણકારા : 200 કર્મીઓની નોકરી ભયમાં, કામદારોનો હલ્લાબોલ

By GS TEAM
1 Apr 20262 mins read
TukuTouch Logo
વડોદરાના છેવાડે ફર્ટિલાઇઝર નગરમાં આવેલી ટેકનો ઈલેક્ટ્રોમેક પ્રાઇવેટ લિમિટેડ કંપની બંધ થવાના એંધાણ વર્તાતા 2૦૦થી વધુ કર્મચારીઓએ કંપની સામે વિરોધ દર્શાવ્યો હતો સાથે પગાર વધારો, બોનસ અને શોષણ કરવામાં આવી રહ્યું હોવાના આક્ષેપ સાથે ધરણા યોજ્યા હતા.

Summarized by AI; it may make mistakes. Check important info

ટેકનો ઇલેક્ટ્રોમેક કંપની વડોદરાથી શિફ્ટિંગના ભણકારા : 200 કર્મીઓની નોકરી ભયમાં, કામદારોનો હલ્લાબોલ

Vadodara : વડોદરાના છેવાડે ફર્ટિલાઇઝર નગરમાં આવેલી ટેકનો ઈલેક્ટ્રોમેક પ્રાઇવેટ લિમિટેડ કંપની બંધ થવાના એંધાણ વર્તાતા 200થી વધુ કર્મચારીઓએ કંપની સામે વિરોધ દર્શાવ્યો હતો સાથે પગાર વધારો, બોનસ અને શોષણ કરવામાં આવી રહ્યું હોવાના આક્ષેપ સાથે ધરણા યોજ્યા હતા.

વડોદરાના છેવાડે આવેલી આ કંપનીને અન્યત્ર સ્થળાંતર કરવાની ચાલી રહેલી હિલચાલ સામે કર્મચારીઓએ કંપની ખાતે કરણી સેનાના આગેવાન લખન દરબારની આગેવાનીમાં હલ્લો મચાવ્યો હતો. 

વડોદરા શહેર નજીક ફર્ટિલાઇઝર નગરમાં ટેકનો ઇલેક્ટ્રોમેક પ્રાઇવેટ લિમિટેડ કંપની આવેલી છે. અહીં કામ કરતા 200થી વધારે કર્મચારીઓને બેરોજગાર થવાનો ભય સતાવી રહ્યો છે. છેલ્લા કેટલાક દિવસોથી કંપનીમાંથી મશીનરી હટાવવામાં આવી રહી છે. ઉપરાંત કંપની ખાલી કરવામાં આવી રહી હોવાની શક્યતા નકારી શકાતી નથી. જેના કારણે કર્મચારીઓમાં આ કંપની અહીંથી બંધ કરી અન્યત્ર સ્થળાંતર કરવાની હિલચાલ થતા તમામ કર્મચારીઓએ એકત્ર થઈને કંપની ખાતે પહોંચી ઉગ્ર વિરોધ દર્શાવ્યો હતો. કર્મચારીઓએ મેનેજમેન્ટ સાથે આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, છેલ્લા ઘણા સમયથી પગાર વધારો થતો નથી. 415 રૂપિયા રોજ આપવામાં આવે છે, આઠ કલાક કામની જગ્યા પર 12-12 કલાક કામ કરવામાં આવી રહ્યું છે. મશીનરીનું શિફ્ટિંગ કરવામાં આવતા ઉપલા અધિકારીઓ સાથે વાત કરતા સરખો જવાબ આપવામાં આવતો નથી. અને કોન્ટ્રાક્ટર દ્વારા પણ શોષણ કરવામાં આવી રહ્યું છે. જો કંપની બંધ કરવાની હોય તો અમને લેખિતમાં આપો અને જો ના બંધ થવાની હોય તો પગાર વધારો કરી રોજગારી આપો.

કંપની મેનેજમેન્ટના અધિકારીઓ પણ કર્મચારીઓ સાથે અભદ્ર ભાષામાં વર્તન કરે છે. વર્ષ 2016થી બધા કામદારો કામ કરી રહ્યા છે. પરંતુ આજ દિન સુધી પગારમાં વધારો કરવામાં આવ્યો નથી. કંપની દ્વારા કર્મચારીઓ જ્યારે ટિફિન કે અન્ય સામાન લઈને કંપનીમાં પ્રવેશે છે, તો સિક્યુરિટી દ્વારા બધું જપ્ત કરી લેવામાં આવે છે. કર્મચારીઓ આંદોલનના માર્ગે ઉતરતા તેમની વ્હારે સામાજિક કાર્યકર્તા લખન દરબાર પણ કંપની ખાતે આવી પહોંચતા કંપની બહાર કામદારો સાથે ધરણા પ્રદર્શનમાં ભાગ લીધો હતો અને જ્યાં સુધી કંપની મેનેજમેન્ટ દ્વારા આ કર્મચારીઓને ન્યાય આપવામાં નહીં આવે ત્યાં સુધી ધરણા ચાલુ રાખવાની ચીમકી લખન દરબાર દ્વારા ઉચ્ચારવામાં આવી હતી.