સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરનારા આરોપીને ૨૦ વર્ષની સખત કેદ

વડોદરા : સાત વર્ષના માસુમ બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરવાના બનાવમાં સંડોવાયેલા આરોપીને કસુરદાર ઠેરવી અદાલતે ૨૦ વર્ષની સખ્ત કેદની સજા ફટકારી ભોગ બનનારા બાળકને વળતર પેટે રૃા.૩ લાખ ચૂકવવાનો આદેશ કર્યો હતો. ન્યાયાધીશે ચૂકાદામાં નોંધ્યું હતું કે, સાત વર્ષનું બાળક આરોપીના કૃત્યનો પ્રતિકાર કરવા સક્ષમ નહોતું અને આરોપીએ તેની બાલ્યાવસ્થાનો ગેરલાભ ઉઠાવી હવસ સંતોષી છે. કોર્ટે સ્પષ્ટપણે જણાવ્યું કે આવા કૃત્યોને કોઈપણ સંજોગોમાં સાંખી શકાય નહીં.
બનાવની વિગત એવી છે કે, ૧૪ જુલાઈ ૨૦૨૨ના રોજ ભોગ બનનાર બાળકની માતાએ
બાપોદ પોલીસ સ્ટેશનમાં પ્રફુલ ઉર્ફે કાળીયા અશોકભાઈ સોલંકી સામે ફરિયાદ નોંધાવી
હતી. ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે માતા ધાર્મિક સ્થળે ગયા હતા, ત્યારે આરોપી પ્રફુલ બાળકને કબૂતરનું ઈંડું બતાવવાની લાલચ આપી પોતાના ઘરે
લઈ ગયો હતો. ત્યાં તેણે માસૂમ સાથે સૃષ્ટી વિરુદ્ધનું કૃત્ય આચર્યું હતું. બાળકે ઘરે આવીને રડતા રડતા
આપવીતી જણાવતા સમગ્ર મામલો સામે આવ્યો હતો.
આ અંગેનો કેસ અદાલતમાં ચાલી જતા સરકારી વકીલ પી.સી. પટેલે દલીલ
કરી હતી કે આરોપીએ માત્ર ૭ વર્ષના અસહાય બાળકની મજબૂરીનો લાભ લીધો છે. આવા કિસ્સાઓ
સમાજમાં વધી રહ્યા હોવાથી અને બાળકોની સુરક્ષાને ધ્યાને રાખી આરોપીને મહત્તમ સજા
કરવી જોઇએ.ન્યાયાધીશે બન્ને પક્ષની દલીલ તેમજ પુરાવાને ધ્યાને લઇ આરોપીને ૨૦
વર્ષની સખ્ત કેદ અને દસ હજારનો દંડ ફટકારી ચૂકાદામાં નોંધ્યું હતું કે,આવા
બનાવથી પીડિત અને તેના પરિવારને માનસિક યાતના ભોગવવી પડે છે, જેની ભરપાઈ કોઈ સજા કરી શકતી નથી.









