Gujarat

માત્ર 5 દિવસમાં સૌરાષ્ટ્રના જળસંગ્રહમાં 20 ટકાનો વધારો

By GS TEAM
21 Jun 20252 mins read
માત્ર 5 દિવસમાં સૌરાષ્ટ્રના જળસંગ્રહમાં 20 ટકાનો વધારો

પ્રારંભે જ ધોધમાર વરસાદથી પાણીનું ચિત્ર સુધરી ગયું : ભાવનગર જિ.માં સ્ટોરેજ 34 ટકાથી વધીને 91  ટકા, બોટાદ, સુરેન્દ્રનગર 76  ટકા, અમરેલી જિ.ના ડેમોમાં 60 ટકા સંગ્રહ 

રાજકોટ, : હજુ પાંચ દિવસ પહેલા જ સૌરાષ્ટ્રના 141 જળાશયોમાં માત્ર 27.07 ટકા કૂલ અને 23.92 ટકા જીવંત જળરાશિ હતી અને આશરે 76 ટકા ડેમો ખાલી હતી અને વરસાદ ખેંચાય તો જળસંકટની ચિંતા હતી ત્યાં માત્ર ત્રણેક દિવસમાં જ ધોધમાર વરસાદથી ચિત્ર સુધરી ગયું છે અને જળસંગ્રહમાં 20 ટકાનો તોતિંગ વધારો થયો છે. તા. 16 જૂને કૂલ સ્ટોરેજ 27.07 ટકા હતું તે આજે વધીને 46.79 ટકા થયું છે. એકમાત્ર દેવભુમિ દ્વારકા જિલ્લાને બાદ કરતા તમામ 10  જિલ્લાઓમાં નોંધપાત્ર સ્ટોરેજ વધ્યું છે.

જળસંગ્રહમાં સૌથી વધારે વધારો ભાવનગર જિલ્લામાં થયો છે જ્યાં તા. 16 જૂને માત્ર 35.76 ટકા (169 મિલિયન ક્યુબીક મીટર) પાણી સંગ્રહિત હતું તે આજે વધીને 91.29 ટકા (421  મિ.ક્યુ.મી.) થયું છે એટલે કે આશરે 55 ટકાનો તોતિંગ વધારો થયો છે. આ જ રીતે બોટાદ જિલ્લાના ડેમોમાં માત્ર 28.28 ટકાનો સંગ્રહ વધીને 76.6 ટકા ,અમરેલી જિલ્લામાં 31.56 ટકાનો સંગ્રહ વધીને 59.83 ટકા અને સુરેન્દ્રનગર જિલ્લામાં 28.82 ટકા સ્ટોરેજ વધીને 76.12 ટકા થયેલ છે. 

જો કે આશ્ચર્યજનક રીતે ગુજરાતના અન્ય તમામ ઝોનના ડેમોમાં સ્ટોરેજ વધારો માત્ર 2 ટકા જેવો રહ્યો છે. જેમ કે કચ્છ જિલ્લાના 20 ડેમોમાં 23.36થી વધીને 28.65 ઉત્તર ગુજરાતના 15 ડેમોમાં 28.76 ટકામાં ઉલ્ટો નજીવો ઘટાડો થઈને 28.46 ટકા, દક્ષિણ ગુજરાતના 13 ડેમોમાં 41.30 ટકાનો જળસંગ્રહ આજે 41.75 ટકા સાથે નજીવો વધારો, મધ્ય ગુજરાતના  17 ડેમોમાં 42.93 ટકામાં માત્ર એક ટકો વધીને 43.93 ટકા અને સૌરાષ્ટ્ર સહિત રાજ્યની જીવાદોરી સમાન નર્મદા ડેમમાં 51.82 ટકાનો સ્ટોરેજ એક ટકો ઘટીને 50.82 ટકા થયેલ છે. આમ, એકંદરે રાજ્યમાં વરસાદ શરૂઆતના તબક્કે અસમતોલ રહ્યો છે,ક્યાંક અતિ ધોધમાર અને ક્યાંક માત્ર ઝાપટાં.