ગુજરાતમાં બાળકો દત્તક લેવાની સંખ્યામાં 20 ટકાનો વધારો, 10 વર્ષમાં 1,287 બાળકો દત્તક લેવાયા
Child Adoptions in Gujarat: રાજ્યમાં છેલ્લા 5 વર્ષના સમયગાળામાં બાળકો દત્તક લેવાની સંખ્યામાં નોંધપાત્ર વધારો જોવા મળ્યા છે. છેલ્લા 10 વર્ષના સમયગાળામાં પ્રદેશમાંથી કુલ 1,287 બાળકો દત્તક લેવામાં આવ્યા છે. નાણાકીય વર્ષ 2024-25માં પ્રદેશમાંથી 156 બાળકોને દત્તક લેવામાં આવ્યા, આ આંકડો ગયા નાણાકીય વર્ષ 2023-24 કરતા 20 ટકા વધુ છે. નાણાકીય વર્ષ 2024-25માં ગુજરાતમાંથી 69 છોકરાઓ અને 87 છોકરીઓને દત્તક લેવામાં આવી હતી.
કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રાલયના તાબા હેઠળ આવતી સંસ્થા સેન્ટ્રલ એડોપ્શન રિસોર્સ ઓથોરિટી એટલે કે કારા તરફથી જારી કરવામાં આવેલા આંકડા પ્રમાણે વર્ષ 2024-25માં ગુજરાતમાંથી દેશના અન્ય ક્ષેત્રોમાં કુલ 142 બાળકો દત્તક લેવામાં આવ્યા હતા, જ્યારે સમાન સમયગાળા દરમિયાન 14 બાળકો વિદેશમાં રહેતા લોકો દ્વારા દત્તક લેવામાં આવ્યા હતા.
વર્ષ 2024-25માં રાજ્યમાંથી 156 બાળકો દત્તક લેવાયા છે, જે છેલ્લા 10 વર્ષમાં નાણાકીય વર્ષ 2018-19 પછીનો સૌથી મોટો આંકડો છે. વર્ષ 2018-19માં પ્રદેશમાંથી કુલ 174 બાળકો દત્તક લેવામાં આવ્યા હતા. ગયા નાણાકીય વર્ષમાં રાજ્યમાંથી 69 છોકરાઓ અને 87 છોકરીઓને દત્તક લેવામાં આવી છે, જ્યારે વર્ષ 2023-24માં 59 છોકરાઓ અને 66 છોકરીઓ દત્તક લેવામાં આવી હતી.
નાણાકીય વર્ષ 2024-25 દરમિયાન દેશભરની સ્થિતિ વિશે વાત કરીએ, તો મહારાષ્ટ્રમાંથી સૌથી વધુ 849 બાળકો દત્તક લેવામાં આવ્યા, જ્યારબાદ તમિલનાડુમાંથી 465, પશ્ચિમ બંગાળમાંથી 328 અને કર્ણાટકમાંથી 306 બાળકો દત્તક લેવામાં આવ્યા હતા. દેશભરના રાજ્યોની સ્થિતિ પ્રમાણે ગુજરાત આ ક્ષેણીમાં 12 ક્રમે છે.
દેશમાં વર્ષ 2024-25 દરમિયાન બાળકોને દત્તક લેવાના મામલામાં 10.74 ટકાનો વધારો નોંધાયો છે. વર્ષ 2023-24માં – 4,029 બાળકો દત્તક લેવામાં આવ્યા હતા, જ્યારે વર્ષ 2024-25માં આ સંખ્યા વધીને 4,515 થઈ ગઈ હતી. દેશમાં કુલ 4,155 બાળકો દત્તક લેવામાં આવ્યા, જ્યારે 360 બાળકો વિદેશમાં રહેનાર લોકો દ્વારા દત્તક લેવામાં આવ્યા હતા. આમ કુલ 1,961 છોકરાઓ અને 2,554 છોકરીઓ દત્તક લેવામાં આવી હતી.