Get The App

કલ્યાણપુર અને રાજુલા પંથકમાં પાણી વચ્ચે 20 લોકોના રેસ્ક્યૂ

Updated: Aug 20th, 2025

GS TEAM

Google News
Google News
કલ્યાણપુર અને રાજુલા પંથકમાં પાણી વચ્ચે 20  લોકોના રેસ્ક્યૂ 1 - image


ભારે વરસાદથી અનેક વિસ્તારો બેટમાં ફેરવાયા :  ચાંચબંદર નજીક પાણી વચ્ચે એમ્બ્યુલન્સ ફસાતા સગર્ભાને ટ્રેક્ટરની ટ્રોલી મારફત હોસ્પિટલે લઈ જવાઈ 

રાજુલા,ખંભાળિયા, : કલ્યાણપુર અને રાજુલા પંથકમાં ભારે વરસાદથી અનેક વિસ્તારો બેટમાં ફેરવાયા હતા જેથી એનડીઆરએફ અને સ્થાનિક તંત્ર દ્વારા પાણી વચ્ચે 20 લોકોના રેસ્ક્યૂ કરવામાં આવ્યા હતા. આ સાથે ચાંચબંદર નજીક પાણી વચ્ચે એમ્બ્યુલન્સ ફસાતા સગર્ભાને ટ્રેક્ટરની ટ્રોલી મારફત હોસ્પિટલે લઈ જવાઈ હતી.

કલ્યાણપુર તાલુકાના ભોગાત ગામ પાસે એક બિલ્ડિંગમાં ભારે વરસાદના પગલે ચારેય તરફથી પાણી આવી જતા તેમાં 17 જેટલા સ્ત્રી, પુરૂષ અને બાળકો ફસાઈ ગયા હતા. જે અંગેની જાણ ખંભાળિયા ફાયર સ્ટાફને કરવામાં આવતા ફાયર ટીમ દ્વારા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને બોટ મારફતે આ તમામ 17 લોકોનું રેસ્ક્યુ કરીને સલામત જગ્યાએ ખસેડવામાં આવ્યા હતા. 

એ જ રીતે રાજુલા પંથકમાં મુશળધાર વરસાદના કારણે ધાતરડી ગામની સ્થાનિક હુંડોલીયા નદીમાં પૂર આવ્યું હતું. આ દરમિયાન 3 ખેડૂતો વાડીએ હતા અને અચાનક પૂર આવતા તેઓ ત્યાં ફસાયા હતા. જેથી એનડીઆરએફની ટીમે પહોંચી સુરક્ષિત રીતે બહાર કાઢયા હતા. બીજી તરફ દરિયાઈ કાંઠાના ખેરા, પટવા અને ચાંચબંદર ગામો સંપર્ક વિહોણા બન્યા હતા. આ પરિસ્થિતિને કારણે ચાંચબંદર ગામની એક સગર્ભા મહિલાને ડિલિવરી માટે હોસ્પિટલ લઈ જતી 108  એમ્બ્યુલન્સ પણ રસ્તામાં અટવાઈ ગઈ હતી. આ સમયે ટ્રેક્ટરની ટ્રોલી દ્વારા મહિલાને હોસ્પિટલ પહોંચાડવામાં આવી હતી. 

Tags :