હરિભક્તોની ગાડીના કાચ ફોડી સોનાના દાગીના સહિત ૨૦.૮૬ લાખની મત્તાની ચોરી

સ્વામીનારાયણ મંદિરમાં યોજાયેલી શિબિરમાં આવેલા
ગીર સોમનાથ જિલ્લાના ઉનાના રહેવાસી વેપારી પરિવાર અને ભરૃચના રહેવાસી હરિભક્તને પાટનગરનો કડવો અનુભવ થયો
ગાંધીનગર : ગાંધીનગરમાં રાંદેસણ વિસ્તારમાં આવેલા સ્વામીનારાયણ મંદિરમાં યોજાયેલી ધાર્મિક શિબિરમાં ભાગ લેવા આવેલા હરિભક્તોની બે ગાડીના કાંચ ફોડીને ગઠિયા એકમાંથી રૃપિયા ૨૦.૫૫ લાખની કિંમતના સોના, ચાંદિના દાગીના અને રોકડ ઉપરાંત બીજી ગાડીમાંથી લેપટોપ અને ચાર્જર સહિત રૃપિયા ૩૦ હજારની કિંમતની મતા ઉઠાવી ગયા હતાં. ગીર સોમનાથ જિલ્લાના ઉનાના રહેવાસી વેપારી પરિવાર અને ભરૃચના રહેવાસી હરિભક્તને પાટનગરનો કડવો અનુભવ થયો હતો.
આ બનાવ સંબંધે ઇન્ફોસિટી પોલીસ મથકમાં ગીર સોમનાથ જિલ્લાના ઉના શહેરના રહેવાસી વેપારી ઉત્સવ કિરીટભાઇ તન્ના નામના યુવાને ફરિયાદ નોંધાવી છે. તેમાં જણાવ્યા પ્રમાણે ઉત્સવ તથા તેના પિતા કિરીટભાઇ નાનાલાલ, મતા ભક્તિબેન, બહેન ધરતીબેન ઉર્ફે જલપરીબેન ધવલભાઇ નગદિયા, ઉત્સવની ફિયાંશ હિનાબેન રમેશભાઇ અને કુટુંબી કાકા ભરતભાઇ નંદલાલ તમામ પરિવારજનો ગત તારીખ ૨૪મીએ સાંજે ૬ વાગ્યાના અરસામાં સ્વામીનારાયણ મંદિર પર યોજાયેલી શિબિરમાં જોડાયા હતાં. તેમણે મંદિર નજીક સીકે ફાર્મ પાસેની ખુલ્લી જગ્યામાં પાકગ હોય ત્યાં સામાન સાથેની કાર મુકી હતી. રાત્રે ૯ વાગ્યાના અરસામાં ગાડી લેવા પાકગમાં પહોચ્યા ત્યારે ડ્રાઇવર સાઇડે પાછળનો કાંચ તૂટેલો જોવાની સાથે ગાડીમાં મુકેલી બેગો ગુમ થયેલી જણાઇ હતી. જેમાં જલપરીબેનની ૩ બેગમાં રહેલા સોનાના પાટલા, કડુ, મંગળસુત્ર, બુટી, લકી, બ્રેસલેટ, ૧૨ વીંટીઓ તથા ચાંદીના દાગીના અને સિક્કા તથા રોકડા રૃપિયા ૭૦ હજાર મળીને રૃપિયા ૨૦,૫૫,૬૫૦ની કિંમતની મતાની ચોરી થઇ હતી. આ ઉપરાંત અન્ય હરિભક્ત ભરૃચના રહેવાસી યશ મુળજીભાઇ પટેલની ગાડીના કાંચ ફઓડીને તસ્કરો તેમાંથી લેપટોપ, ચાર્જર, બેંકોની ચેકબુકો, આધાર, પાન અને ચૂંટણી કાર્ડ સહિત ૩૦ હજારની મતા ચોરી ગયા હતાં. પોલીસ દ્વારા ગુનો નોંધીને ડોગ સ્કવોડ તથા ફિંગર પ્રિન્ટ એક્સપર્ટની મદદ લઇને સીસી ટીવી કેમેરાની તપાસ સાથે ધોરણસરની કાર્યવાહી હાથ ધરાઇ હતી.








