ઉમરેઠના બેચરી ગામમાં તાજિયા પસાર થતી વખતે વીજ કરન્ટ લાગતા 2 યુવકોના મોત

- પોલીસે અપમૃત્યુની નોંધ દાખલ કરી વધુ તપાસ હાથ ધરી
- લાકડાંના દંડાથી નડતરરૂપ વીજ વાયર ઊંચો કરતા કરન્ટ ઉતરતા બંને યુવક ગંભીર દાઝી જતા મૃત્યુ : બે યુવાનોના મોતથી તહેવારમાં ગમગીનિ
ઉમરેઠ તાલુકાના બેચરી ગામમાં રવિવારના દિવસે મહોરમ પર્વ હોવાથી શનિવાર રાત્રિના સાડા બારેક વાગ્યાના આસપાસના સમયે તાજિયા પસાર કરવામાં આવી રહ્યાં હતાં. રાત્રિના સમયે તાજિયા ગામમાં ફરતા હતાં. ત્યારે તાજિયાના ઉપરથી પસાર થતો વીજ વાયર નડતાં બેચરી ગામમાં રહેતાં બે યુવકો અજુરુદ્દીન બાબુ ખાન પઠાણ (ઉં.વ.૩૭) અને મોસીનમિયાં અયુબ મિયાં બેલીમ (ઉં.વ.૩૫) લાકડાના બાંબૂ લઈને વીજ વાયરને ઊંચો કરતાં હતાં. તે દરમિયાન અચાનક બાંબૂમાં વીજ કરંટ ઉતરતાં બંનેને વીજ શૉકનો જોરથી ઝાટકો લાગ્યો હતો. વીજ કરંટના ઝાટકાને લીધે બંને યુવકો નીચે પટકાયા હતાં અને ગંભીર રીતે દાઝી જવા ગયા હતા. આ ઘટનાને લઈને આજુબાજુના લોકો મોટી સંખ્યામાં એકત્રિત થઈ ગયાં હતાં. સ્થાનિક લોકો દ્વારા બંને યુવકોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં હાજર ડોક્ટરે બંને યુવકોને તપાસીને મૃત જાહેર કર્યા હતાં. આ અંગે ઉમરેઠ પોલીસે અપમૃત્યુની નોંધ દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.








