Gujarat

ઉપલેટામાં જૂનવાણી જર્જરીત મકાન ધરાશાયી થવાથી 2 મહિલા ચગદાઈ, 1નું કરૂણ મોત

By GS TEAM
2 Jul 20252 mins read
ઉપલેટામાં જૂનવાણી જર્જરીત મકાન ધરાશાયી થવાથી 2 મહિલા ચગદાઈ, 1નું કરૂણ મોત

મચ્છી માર્કેટ વિસ્તારમાં ગંભીર દુર્ઘટનાથી અફરા-તફરી : સ્થાનિક લોકોએ બન્ને મહિલાઓને કાટમાળ નીચેથી બહાર કાઢીને સારવાર માટે ખસેડી, પણ એક મહિલાએ અંતિમ શ્વાસ લઈ લીધા, 

ઉપલેટા, : ઉપલેટામાં આજે બપોર બાદ એક જર્જરીત મકાન ધરાશાયી થઈ જતાં કાટમાળ નીચે બે મહિલા દટાઈ હતી. જેમાં એક મહિલાનું મોત નીપજ્યું હતું. જ્યારે બીજી મહિલાને ગંભીર ઈજા થતાં તુરંત સ્થાનિક લોકોએ કાટમાળ નીચેથી બહાર કાઢીને સારવાર માટે સરકારી હોસ્પિટલે ખસેડી હતી. જે ઘટનાની જાણ થતાં વહીવટી તંત્ર અને પોલીસ ટીમ દોડી આવી હતી અને તપાસનો ધમધમાટ ચાલુ કર્યો હતો. થોડા જ સમયમાં આવી ચોથી દુર્ઘટનાથી લોકોમાં ગભરાટ ફેલાયો છે.

વિગત પ્રમાણે, ઉપલેટા શહેરના ધમધમતા એવા મચ્છી માર્કેટ વિસ્તારમાં આજે બપોર બાદ એક જૂનવાણી અને જર્જરીત મકાન એકાએક જ ધડાકાભેર ધરાશાયી થયું હોવાની દુર્ઘટના સર્જાતા અફરા-તફરીનો માહોલ પ્રસરી ગયો હતો. જેમાં બે મહિલા અંદર મકાનમાં હતી, જે કાટમાળ નીચે દબાઈ ગઈ હતી. જે અંગેની જાણ થતાં આસપાસના લોકો દોડી આવ્યા હતા અને કાટમાળ ખસેડવાનું ચાલુ કર્યું હતું. 

એકાદ કલાકનાં રેસ્ક્યૂ ઓપરેશનનાં અંતે મકાનનાં કાટમાળ નીચેથી મંજુબેન શ્રવણભાઈ સલાટ નામની 54 વર્ષીય મહિલાનું બેશુધ્ધ હાલતમાં નીકળી હતી, જેને તાબડતોબ સારવાર અર્થે સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી, જ્યાં હાજર તબીબ દ્વારા મૃત જાહેર કરવામાં આવી હતી. બાદમાં એ જ કાટમાળ નીચેથી અન્ય એક મહિલા પણ ગંભીર ઈજાઓ સાથે મળી આવી હતી, જેને પણ સારવાર અર્થે ખસેડવામાં આવી હતી.