Get The App

વડોદરાના સમા સાવલી રોડ પર 'લોટસ ઓરા'ના વિઝા કન્સલ્ટન્ટે ઓફિસને તાળા માર્યા, બે મહિલાએ 40 લાખ ગુમાવ્યા

Updated: Jul 22nd, 2025

GS TEAM

Google News
Google News
વડોદરાના સમા સાવલી રોડ પર 'લોટસ ઓરા'ના વિઝા કન્સલ્ટન્ટે ઓફિસને તાળા માર્યા, બે મહિલાએ 40 લાખ ગુમાવ્યા 1 - image


Vadodara Visa Fraud : વડોદરાના સમા સવલી રોડ વિસ્તારના એક વિઝા કન્સલ્ટન્ટે યુકેની વર્ક પરમિટના નામે બે મહિલા સાથે 40 લાખ ઉપરાંતની છેતરપિંડી કરી હોવાનો બનાવ બનતા પોલીસે ગુનો દાખલ કર્યો છે. 

આણંદના મારેજ ખાતે રહેતા ભાવિકાબેન પટેલે પોલીસને કહ્યું છે કે, મારે યુ.કે જવું હોવાથી પરિચિત મારફતે વડોદરાના સમા રોડ પર લોટસ ઓરા કોમ્પ્લેક્સમાં ઓફિસ ધરાવતા વિઝા કન્સલ્ટન્ટ હિતેશ ધર્મેન્દ્રભાઈ કલ્યાણી (કલ્પેશ સોસાયટી, જવાહર વગર,આણંદ) નો સંપર્ક કર્યો હતો. 

હિતેશે કહ્યું હતું કે મેં ઘણા લોકોને વિદેશ સેટ કર્યા છે. તમને પણ વર્ક પરમીટ અપાવીશ અને તમારા પતિ તેમજ બાળકોને પણ ડિપેન્ડન્ટના વિઝા અપાવી યુકે મોકલી આપીશ. આ પેટે તેણે 28 લાખ રૂપિયા નક્કી કર્યા હતા અને મેં તેમને તબક્કાવાર 26.50 લાખ રૂપિયા ચૂકવ્યા હતા. મારી ફાઈલ રિજેક્ટ થયું હોવા છતાં મને એક્ઝામ માટે વાપી તેમજ ફાઈલના પ્રોસિજર માટે અમદાવાદ ધક્કા ખવડાવવામાં આવ્યા હતા. પરંતુ આજ સુધી મને વિઝા મળ્યા નથી કે રૂપિયા પણ મળ્યા નથી. 

મહિલાએ કહ્યું છે કે મારી જેમ તારાપુરના ગોરાડ ખાતે રહેતા માલતીબેન પટેલ પાસે પણ 26 લાખ પડાવવામાં આવ્યા હતા. જેમાંથી 12 લાખ પરત આપવામાં આવ્યા છે. ત્યારબાદ તપાસ કરતા ઓફિસ બંધ થઈ ગઈ હોવાનું જાણવા મળ્યું છે. જેથી સમા પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

Tags :