Gujarat

યત્ર નાર્યસ્તુ પૂજ્યન્તે: ગીરનાં 2 ગામ મહિલાઓનાં શાસન થકી આબાદ

By GS TEAM
15 Jun 20252 mins read
યત્ર નાર્યસ્તુ પૂજ્યન્તે: ગીરનાં 2 ગામ મહિલાઓનાં શાસન થકી આબાદ

રસુલપરાને એક સન્નારીએ સોલાર રૂફટોપથી સ્ટ્રીટલાઈટવાળું રાજ્યનું પ્રથમ ગામ બનાવ્યું: ભાલછેલનાં ગૃહિણી સતત છઠ્ઠી વખત સરપંચપદે

તાલાલા, : નેતાઓની મથામણ છતાં અનેક ગ્રામ પંચાયતોમાં ચૂંટણીની નોબત ખાળી નથી શકાઈ ત્યારે ગીર પંથકના ભાલછેલ અને રસુલપરાની 'સમરસતા' એકથી વધુ બાબતે પ્રેરક બની છે. આ બંને ગામની પંચાયતોનાં સદસ્યો અને સરપંચ તરીકે આરૂઢ સન્નારીઓ ગામનાં સુખ- શાંતિ- સમૃધ્ધિના સૂત્રધાર બની રહ્યાં છે.

ભાલછેલ ગીર ગામમાં ખાંટ રાજપૂત સમાજ, કોળી સમાજ, મોમીન સમાજ, મુસ્લિમ સમાજ, આહિર સમાજ, સાધુ સમાજ, દલિત સમાજની કુલ 1850ની વસ્તી છે. પાંચ ટર્મ મહિલા સરપંચનાં સફળ નેતૃત્વને લીધે અહીં વિકાસનાં અનેક કામો ઊડીને આંખે વળગી રહ્યાં છે. અહીં ૨ બોર, કૂવો, વોટર સંપમાંથી ૨૪ કલાક ઘરે ઘરે પીવાનાં પાણીનું વિતરણ   થાય છે, ચોમાસા દરમ્યાન નદીનાં પૂરનું પાણી આવતું રોકવા પૂર સંરક્ષણ દીવાલ બનાવવામાં આવી છે, પેવર બ્લોક તથા સિમેન્ટ કોંક્રિટથી પાકા માર્ગો છે.

એ જ રીતે, કુલ 1850 ની વસ્તીવાળા સમરસ રસુલપરા ગીર ગામની સક્સેસ સ્ટોરી પણ જાણવા જેવી છે. રસુલપરા ગીર ગામ ગુજરાતનું એવું પ્રથમ ગામ છે, જ્યાં સોલાર રૂફટોપ યોજના હેઠળ સ્ટ્રીટલાઈટો ઝળહળતી થઈ હતી. અહીં ગત પાંચ વર્ષ જે બહેનોએ ગ્રામ પંચાયતનું સંચાલન કર્યું તે જ બહેનોને ફરી પાંચ વર્ષ માટે સુકાન સોંપાયું છે. અન્ય એક નોંધનીય બાબત એ પણ છે કે અહીં 60 વર્ષમાં માત્ર બેથી ત્રણ વખત જ ચૂંટણી યોજવાની નોબત આવી હતી.