જામનગરમાં IPL ક્રિકેટ સટ્ટાબાજીના બે જુદા-જુદા દરોડા : બે આરોપીઓ ઝડપાયા, 11થી વધુ શખ્સોની સંડોવણી સામે આવી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Jamnagar Police : જામનગર શહેરમાં આઈપીએલ ક્રિકેટ ટુર્નામેન્ટ દરમિયાન ક્રિકેટ સટ્ટાબાજી સામે સીટી-બી ડિવિઝન પોલીસ અને સર્વેલન્સ સ્કવોડ દ્વારા બે અલગ-અલગ સ્થળોએ દરોડા પાડી કાર્યવાહી કરવામાં આવી છે. બંને બનાવોમાં બે આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે, જ્યારે અન્ય 12 શખ્સોની સંડોવણી પણ સામે આવતા પોલીસે તેમની શોધખોળ શરૂ કરી છે.
પ્રથમ બનાવમાં સીટી-બી ડિવિઝન પોલીસની સર્વેલન્સ ટીમે કેદારપાર્ક રોડ તરફ જતાં પુલ ઉપર દરોડો પાડી ક્રિકેટ સટ્ટાનો ડબ્બો ચલાવતા ભાવેશ ગોરધનભાઈ નંદા (ઉ.વ. 45, રહે. કિશાન ચોક, નંદા બ્રધર્સવાળી ગલી, ખંભાળિયા ગેટ, જામનગર)ને ઝડપી પાડ્યો હતો. તપાસ દરમિયાન આરોપી અમદાવાદ ખાતે રમાઈ રહેલી ગુજરાત ટાઇટન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ વચ્ચેની આઈપીએલ મેચના લાઈવ પ્રસારણના આધારે મોબાઈલ ફોન મારફતે ગ્રાહકો પાસેથી સેશન અને મેચની હારજીતના દાવ સ્વીકારી ક્રિકેટ સટ્ટાનો કારોબાર ચલાવતો હોવાનું સામે આવ્યું હતું.
પોલીસે આરોપી પાસેથી રોકડા રૂપિયા 11,350 તથા બે મોબાઈલ ફોન મળી કુલ રૂપિયા 17,350 નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ ગુનામાં ગ્રાહક તરીકે સંડોવાયેલા નાઝલો, રાહુલ, સાગર ફ્રુટ, મનીષ, બાપુ, મિતેષ, મારાજ, એચ.એમ. સહિત અન્ય શખ્સોના નામ પણ ખુલ્યા છે, જેમની ભૂમિકા અંગે તપાસ ચાલી રહી છે.
બીજા બનાવમાં બેડી નાકા પાસે મનુ માર્કેટ નજીક દરોડો પાડી કરન બીપીનભાઈ પારેખ (ઉ.વ.26, રહે. શ્રીનાથજી એપાર્ટમેન્ટ, હવાઈ ચોક, નાગર ચકલા, જામનગર)ને ઝડપી પાડવામાં આવ્યો હતો. પોલીસ તપાસમાં આરોપી પોતાના મોબાઈલ ફોનમાં આવેલી ઓનલાઈન સટ્ટાબાજીની એપ્લિકેશન મારફતે ગુજરાત ટાઇટન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ વચ્ચે રમાયેલી આઈપીએલ મેચ ઉપર હારજીત તથા રનફેરના દાવ લગાવી પૈસાની લેતીદેતી કરતો હોવાનું સામે આવ્યું હતું.
આ બનાવમાં કરન પારેખની સાથે મુનાફ આંબલીયા (રહે. લંઘાવાડના ઢાળીયે, જામનગર)નું નામ પણ ખુલ્યું છે. મુનાફ આંબલીયા હાલ ફરાર હોવાનું પોલીસ દ્વારા જણાવાયું છે અને તેની શોધખોળ હાથ ધરવામાં આવી છે.
પોલીસે બંને બનાવોમાં જુગારધારા હેઠળ ગુના નોંધી ક્રિકેટ સટ્ટાબાજીના નેટવર્ક સાથે સંકળાયેલા અન્ય શખ્સો સુધી પહોંચવા માટે વધુ તપાસ શરૂ કરી છે.









