Get The App

અમરેલીમાં સોમવારની લોહિયાળ શરૂઆત, હાઈવે પર બે અલગ અલગ અકસ્માતમાં એકનું મોત

Updated: Jan 12th, 2026

GS TEAM

Google News
Google News
અમરેલીમાં સોમવારની લોહિયાળ શરૂઆત, હાઈવે પર બે અલગ અલગ અકસ્માતમાં એકનું મોત 1 - image

Amreli Accident News : ગુજરાતમાં માર્ગ અકસ્માતમાં મોત હવે ખૂબ જ સામાન્ય ઘટના બની ચુકી છે. ક્યારેક ચાલકોની બેદરકારી તો ક્યારેક તંત્રની બેદરકારીના કારણે વારંવાર માર્ગ અકસ્માતની ઘટનાઓ સામે આવતી રહે છે. જેના કારણે આખરે દંડાવું તો નાગરિકોને જ પડે છે. ક્યારેક નાગરિકે જીવ ગુમાવવાનો વારો આવે છે તો વળી ક્યારેક હાથ પગ ભાંગી જાય છે. આજે ગુજરાતમાં વહેલી સવારમાં જ 2 અકસ્માતની ઘટના સામે આવી છે. 

અમરેલીમાં અકસ્માત એકનું મોત

લાઠી અમરેલી હાઇવે આજે લોહિયાળ બન્યો હતો. જ્યાં બાઈક અને ગાડી વચ્ચે થયેલા ગમખ્વાર અકસ્માતમાં એક વ્યક્તિનું મોત નિપજ્યું છે. ઘટના અંગે વિગતે મળતી માહિતી અનુસાર ટોડા ખાતે રહેતા અને ખેતીકામ કરતા કનુભાઇ વિઠ્ઠલભાઈ ઝાપડીયા (ઉ.વ 40) પોતાના ખેતરથી ગામ ટોડા તરફ જઈ રહ્યા હતા. ત્યારે અચાનક સામેથી આવી રહેલી ગાડીએ તેમને ટક્કર મારી હતી. જેમાં ઘટના સ્થળે જ કનુભાઇનું મોત નિપજ્યું હતું. સમગ્ર મામલે પોલીસને જાણ થતા પોલીસ પણ દોડી આવી હતી. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. 

ભાવનગર-સોમનાથ નેશનલ હાઇવે બન્યો ડેથ ઝોન

ભાવનગર સોમનાથ હાઇવે જ્યારથી બન્યો ત્યારથી જ ક્યારેય તે સંપૂર્ણ સંચાલિત થઇ શક્યો નથી. કંપનીઓ ઇચ્છે ત્યારે રોડ બંધ કરીને તેના પર કામ ચાલુ કરી દેતી હોય છે. ખાસ કરીને રાજુલાથી સોમનાથ સુધીના હાઇવે પર સતત કામ ચાલતું જ રહે છે. છેલ્લા 24 કલાકમાં જ અકસ્માતની બે ઘટના બની છે. નેશનલ હાઇવે ઓથોરિટીની ગંભીર બેદરકારીને મધ્યપ્રદેશની કાર ફિલ્મી સ્ટાઇલે ઉછળીને પલટી ગઇ હતી. જાફરાબાદના હેમાળ અને છેલણા ગામ વચ્ચે કામ ચાલી રહ્યું હોવાના કારણે રોડ પર માટીનો મોટો પાળો બનાવી દેવાયો હતો. જો કે મોડી રાત્રે તે પાળો કાર ચાલકને નહી દેખાતા ગાડી પાળ પરથી કુદીને રોડના કિનારે રહેલા ખાડામાં પલટી મારી ગઇ હતી. જો કે સદનસીબે ચાલકનો આબાદ બચાવ થયો હતો. કારને ક્રેનની મદદથી બહાર કઢાઇ હતી. જ્યારે ચાલકને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં મુકાયા હતા. સ્થાનિક લોકોની લાંબા સમયથી માંગ છે કે, હાઇવે પરથી પાળાઓ હટાવવામાં આવે અને ડાયવર્ઝન આપે તેવી સ્થિતિમાં રેડિયમવાળા બોર્ડ લગાવવામાં આવે, જેથી લોકોને પહેલેથી જ ડાયવર્ઝન અંગે ખબર પડી શકે.