જામનગર નજીક દરેડ વિસ્તારમાં એક શ્રમિક યુવાનના હાથમાંથી મોબાઈલ ફોનની ચીલ ઝડપ કરનાર એક ટાબરીયા સહિત બે પકડાયા
Jamnagar Police : જામનગર નજીક દરેડ જીઆઇડીસી વિસ્તારમાં એક શ્રમિક યુવાનના હાથમાંથી મોબાઇલ ફોનની ચીલ ઝડપ થયાનો બનાવ બન્યો છે. જે બનાવનો ભેદ ઉકેલાયો છે, અને પંચકોષી બી. ડિવિઝન પોલીસે ચીલ ઝડપ કરનાર એક ટાબરિયા સહિત બે શખ્સોની અટકાયત કરી લઈ તેઓ પાસેથી મોબાઇલ ફોન અને બાઈક કબજે કર્યા છે.
જામનગર નજીક જીઆઇડીસી ફેઇઝ-3 માં એક કારખાનામાં રહીને મજૂરી કામ કરતા કોમલ સુલીભાઈ જાટવ નામના 28 વર્ષના પરપ્રાંતિય શ્રમિક યુવાને પોતાના હાથમાંથી રૂપિયા 24,000 ની કિંમતનો મોબાઇલ ફોન ડબલ સવારી બાઈકમાં આવેલા બે અજાણ્યા શખ્સો ઝુંટવીને લઈ ગયાની ફરિયાદ પંચકોશી બી. ડિવિઝન પોલીસ મથકમાં નોંધાવી હતી.
જેથી પંચકોસી બી. ડિવિઝનના પોલીસ સ્ટાફે તુરતજ વોચ ગોઠવીને ઉપરોક્ત મોબાઈલ ફોનને ચીલ ઝડપ કરી જનાર એક ટાબરીયા સહિત બે શખ્સોને સકંજામાં લઈ લીધા છે. જામનગરમાં મયુર ટાઉનશિપમાં રહેતા અતુલગીરી ખુશાલગીરી ગોસાઈ (19 વર્ષ) તથા એક ટાબરીયાને ઝડપી લીધા છે, અને તેઓ પાસેથી શ્રમિક યુવાનનો મોબાઇલ ફોન ઉપરાંત એક મોટરસાયકલ વગેરે સહિત કુલ રૂપિયા 43,999 ની માલમતા કબજે કરી છે. ઉપરોક્ત બંને આરોપીઓએ અગાઉ પણ એક ચોરીની ઘટનાને અંજામ આપ્યો હોવાનું જાણવા મળ્યું છે.