જવેલર પાસે રૂ. 36 લાખના દાગીના લઈ સામે નકલી બિસ્કીટ પધરાવનાર મૂળ અમરેલી- ભાવનગરના 2 ઝડપી લેવાયા

મૂળ અમરેલીના અને નવી મુંબઈના વાસીના બેકાર નિકુંજ ધકાણને તેના ઘર પાસેથી તો મૂળ ભાવનગરના રત્નકલાકાર સુરતમાં ઝડપાયા : નિકુંજ મુંબઈમાં પણ રૂ. 30 લાખના સોનાની ઠગાઇમાં વોન્ટેડ છે : રાજસ્થાનના જોધપુરમાં પણ આ રીતે ઠગાઈ કરી છે
સુરત/અમરેલી : સુરતના મોટા વરાછાના જવેલર પાસે રૂ. 36 લાખથી વધુના દાગીના લઈ સામે નકલી બિસ્કીટ પધરાવનાર નવી મુંબઈના બેકાર યુવાન અને સુરતના રત્નકલાકારને સુરત ક્રાઇમ બ્રાન્ચે નવી મુંબઈ અને સુરત ખાતેથી ઝડપી લીધા હતા.મુખ્ય સૂત્રધાર નવી મુંબઈનો બેકાર યુવાન મુંબઈમાં પણ રૂ.૩૦ લાખના સોનાની ઠગાઇમાં વોન્ટેડ છે અને તેણે રાજસ્થાનના જોધપુરમાં પણ આ રીતે ઠગાઈ કરી છે.
ક્રાઈમ બ્રાન્ચના સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરતના મોટા વરાછા યમુના ચોક રીયો બિઝનેસ હબ ખાતે શુભમ ગોલ્ડના નામે જવેલરી શોપ ધરાવતા મૂળ અમરેલીના રવિભાઈ હિંમતભાઇ ચાંદગઢીયાએ ઇન્સ્ટાગ્રામ ઉપર મુકેલી જાહેરાત જોઈને ભેજાબાજે પોતાની ઓળખ પુણેના જવેલર તરીકે આપી સુરતમાં આંગડીયા પેઢી ચલાવતા મિત્રને પોતે કરેલા ઓર્ડરના રૂ. 36 લાખથી વધુના સોનાના દાગીના આપી તેની સામે સોનાના બિસ્કીટ લેવા કહ્યું હતું. આથી જવેલરનો સેલ્સમેન દાગીના લઈ ગયો ત્યારે તેને ભેજાબાજે આંગડીયા પેઢીએ બોલાવવાને બદલે ભીડભાડવાળા રસ્તા ઉપર બોલાવી ત્યાં દાગીના લઈ નકલી બિસ્કીટ આપ્યા હતા અને ફરાર થઇ ગયો હતો. સેલ્સમેન દુકાને પહોંચ્યા બાદ બિસ્કીટ નકલી હોવાની જાણ થતા જવેલરના મેનેજર અમિતભાઈ જયંતીભાઈ ચાંદગઢીયાએ બંને વિરૂદ્ધ સલાબતપુરા પોલીસ મથકમાં ઠગાઈની ફરિયાદ નોંધાવી હતી. દરમિયાન સુરત ક્રાઇમ બ્રાન્ચની નાસતા-ફરતા સ્ક્વોડે સીસીટીવી ફુટેજ અને ટેકનીકલ સર્વેલન્સના આધારે તપાસ હાથ ધરીને લસકાણા ખાતેથી રત્નકલાકાર હરેશભાઈ ઉર્ફે હરી પોપટભાઈ મોરડીયા (ઉ.વ. 42, રહે. ગૌતમપાર્ક, કારગીલ ચોક પાસે, કાપોદ્રા, સુરત. મૂળ રહે.નારી, નવાપરા, જી.ભાવનગર)ને જયારે નવી મુંબઈના વાસી ખાતેથી બેકાર નિકુંજ ખીમજીભાઈ ધકાણ (ઉ.વ. 35, રહે.મેઘઈન રેસીડન્સી હોટલ, સેકટર-19, વાસી, નવી મુંબઈ તથા સુરત શહેરમાં અલગ અલગ હોટલમાં તથા મુંબઈમાં અલગ અલગ હોટલોમાં, મુળ રહે.મોટાલીલીયા, અમરેલી) ને ઝડપી લીધા હતા.બંને ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર રાજ્યમાં અલગ-અલગ વેપારીઓનો સંપર્ક કરી પોતાની ઓળખ સોનાના મોટા વેપારી તરીકે આપી તેમની પાસેથી સોનાના ઘરેણા પસંદ કરી તેના બદલામાં 24 કેરેટનું પડ લગાવેલા ડુપ્લીકેટ સોનાની બિસ્કીટ પધરાવી ઠગાઈ કરે છે.
તે પૈકી મુખ્ય સૂત્રધાર નિકુંજ મુંબઈમાં પણ રૂ. 30 લાખના સોનાની ઠગાઇમાં વોન્ટેડ છે. જયારે રાજસ્થાનના જોધપુરમાં પણ આ રીતે ઠગાઈ કરી છે. હરેશ અગાઉ દારૂના ગુનામાં અંકલેશ્વર અને વરાછા પોલીસ મથકમાં ઝડપાયો છે. ક્રાઇમ બ્રાન્ચે બંનેનો કબજો સલાબતપુરા પોલીસને સોંપ્યો છે.

