ડભોઇ-વાઘોડિયા રિંગ રોડ પર વ્રજ પાર્ટી પ્લોટ બહાર પાર્ક મોપેડની ડેકીમાંથી દોઢ તોલાની સોનાની ચેન ચોરી બે શખ્સો ફરાર
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara : વડોદરા શહેરના ડભોઇ-વાઘોડિયા રિંગ રોડ પર આવેલા વ્રજ પાર્ટી પ્લોટ ખાતે લગ્ન પ્રસંગ દરમિયાન પાર્ક કરાયેલ મોપેડની ડીકીમાંથી સોનાની ચેન ચોરીની ઘટના સામે આવી છે. ફરિયાદના આધારે કપુરાઈ પોલીસ દ્વારા અજાણ્યા બે ઇસમો સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે.
ડભોઇ-વાઘોડિયા રિંગ રોડ વિસ્તારમાં રહેતી 28 વર્ષીય દિક્ષિતા ચૌહાણ, જે એન્જિનિયરિંગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટમાં એન્જિનિયર તરીકે ફરજ બજાવે છે, તે ગઈ તા.6 ફેબ્રુઆરીના રોજ સહકર્મચારીના લગ્ન પ્રસંગે વ્રજ પાર્ટી પ્લોટ ખાતે પહોંચી હતી. બપોરે અંદાજે 12 વાગ્યે તે ઇલેક્ટ્રિક મોપેડ લઈ સ્થળ પર લગ્ન પ્રસંગમાં પહોંચી હતી અને પાર્ટી પ્લોટની બહાર મોપેડ પાર્ક કરી તેની ડેકીમાં પોતાની બેગ મૂકી હતી.
બેગમાં ડાયરી સાથે દોઢ તોલાની સોનાની ચેન (પેન્ડલ સાથે) રાખેલ હતી, જેની અંદાજિત કિંમત રૂ.88 હજાર હતી. બપોરે 2 વાગ્યે લગ્ન પ્રસંગ પૂર્ણ થતાં તે મોપેડ પાસે આવી ત્યારે ડીકી બંધ હતી. જોકે, સાંજે લગભગ 6 વાગ્યે ઘરે પહોંચીને ડીકી ખોલતાં બેગની ચેન ખુલ્લી જોવા મળી અને અંદર રાખેલ સોનાની ચેન ગાયબ હોવાનું ધ્યાન પર આવ્યું હતું.
ઘટના અંગે વ્રજ પાર્ટી પ્લોટ ખાતે તપાસ કરતા એક લારીધારકે જણાવ્યું હતું કે, બે અજાણ્યા શખ્સો મોઢા પર રૂમાલ બાંધી મોપેડ પર આવ્યા હતા. તેઓ ઇલેક્ટ્રિક મોપેડ પર બેઠા હતા. જ્યારે લારીચાલકે તેમની તરફ જોયું ત્યારે એક શખ્સે મારી સામે કેમ જુઓ છો? કહી ધમકીભર્યો સ્વર અપનાવ્યો હતો. ત્યારબાદ બંને શખ્સો ત્યાંથી નીકળી ગયા હતા.
ફરિયાદના આધારે પોલીસે અજાણ્યા શખ્સો વિરુદ્ધ ચોરીનો ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે.








