- અમારી સામેની ફરિયાદ પાછી ખેંચી લે, નહિતર પતાવી દઈશું
- ધ્રાંગધ્રાના બે શખ્સ સામે ખંડણીની ફરિયાદ નોંધાવી હોય ખાર રાખીને ફાયરિંગ કરાયું હોવાની શંકા : 2 સામે ફરિયાદ
હળવદ : હળવદના ભવનીનગર ઢોરામાં બે શખ્સોએ ઓરડી પર બે રાઉન્ડ ફાયરિંગની ઘટના સામે આવી છે. બુકાનીધારી શખ્સોએ અમારી સામેની ફરિયાદ પાછી ખેંચી લે, નહિતર પતાવી દઈશું કહી જતા રહ્યાં હતા. બીજી તરફ ખંડણીની ફરિયાદનો ખાર રાખી બે સગાભાઇ પર હુમલાનો પ્રયાસ કરાયો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. પોલીસે બે અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધી આ મામલે તપાસ હાથ ધરી છે.
હળવદના ભવાનીનગર ઢોરા વિસ્તારમાં આવેલ સરકારી આવાસ નજીક માજીદભાઈ યુનુસભાઈ સંધીની ગૌશાળાની ઓરડી પર શુક્રવારે રાત્રે આશરે ૧૦.૧૫ કલાકે કાળા રંગના પલ્સર બાઈક પર બે અજાણ્યા બુકાનીધારી શખ્સો ધસી આવ્યા હતા. હેતલમાસી કિન્નરની પૂછપરછ દરમિયાન આરોપીઓએ ફિરોજભાઈ અને માજીદભાઈ (બંને સગા ભાઇ) ક્યાં છે તેની તપાસ કરી હતી. ઓરડીમાં કોઈ ન હોવાનું જાણવા છતાં, ડર પેદા કરવાના ઈરાદે આરોપીઓએ બારી અને દરવાજા પર લાયસન્સ વગરની બંદૂકથી ફાયરિંગ કર્યું હતું. હુમલાખોરોએ ધમકી આપી હતી કે, 'માજીદ અને ફિરોજને કહી દેજો કે અમારી સામે કરેલી ફરિયાદ પાછી ખેંચી લે, નહિતર પતાવી દઈશું.'
આ હુમલા પાછળ અગાઉ નોંધાયેલી ખંડણીની ફરિયાદ જવાબદાર હોવાનું મનાય છે. ફરિયાદી માજીદ (ઉ.વ.૩૫)ના જણાવ્યા મુજબ, મારા ભાઇ ફિરોજએ ગત ૩૦/૧૨/૨૦૨૫ના રોજ ધ્રાંગધ્રાના હાજી સંધી અને અનશ સંધી વિરુદ્ધ રૂ.૫ લાખની ખંડણી માંગવા અંગે હળવદ પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. આ જ ફરિયાદનો ખાર રાખીને તેમને જાનથી મારી નાખવાના ઈરાદે આ ફાયરિંગ કરવામાં આવ્યું હોવાની પ્રબળ આશંકા છે. આ ઘટનાની જાણ થતા જ હળવદ પી.આઈ. ડી.વી. કાનાણી સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે ગુનો નોંધીને સમગ્ર શહેરમાં નાકાબંધી કરી છે. સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી આરોપીઓને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.


