- સલુણ ઓવરબ્રિજ નજીક અકસ્માત
- પથાવત રોડ પર પશુપાલકના પગ ઉપર ક્રેઇનનું ટાયર ફરી વળતા ગંભીર ઈજા, બંને અકસ્માત મુદ્દે ફરિયાદ
નડિયાદ : નડિયાદ સલુણ ઓવરબ્રિજ પાસે ગુરૂવારની બપોરના સમયે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. જેમાં ડમ્પર ચાલકે એક કારને પાછળથી ટક્કર મારતા કારમાં સવાર બે વ્યક્તિઓને ગંભીર ઇજા થઇ હતી. જ્યારે પથાવત રોડ ઉપરથી પસાર થતા પશુપાલકના પગ પર ક્રેઇનનું ટાયર ફરી વળતર ઇજા થઈ હતી. આ બનાવ અંગે જે-તે વિસ્તારની પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
નડિયાદ તાલુકાના શુરાશામળમાં રહેતા વિકાસભાઈ બાબુભાઈ રાજ પરમાર ગુરૂવારની બપોરે તેમના કૌટુંબિક કાકા બાબુભાઈ મોતીભાઈ વાઘેલા સાથે પોતાની કાર લઈને તેમના પરિચિત સંજયસિંહ મહીડાને કંકોત્રી આપવા માટે ગયા હતા. તેઓ સલુણ ઓવરબ્રિજ ઉતરીને સલુણ તરફ જઈ રહ્યા હતા, ત્યારે પાછળથી આવતા એક ડમ્પરના ચાલકે કારને પાછળથી ધડાકાભેર ટક્કર મારતા કારમાં સવાર વિકાસભાઈને માથા તેમજ મોઢા પર જ્યારે તેમની સાથે બેઠેલા બાબુભાઈને ડાબા હાથે અને બંને પગે ગંભીર ઈજા થઇ હતી. આ અકસ્માત બાદ બંનેને તરત જ સારવાર માટે ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે નડિયાદ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. આ બનાવ અંગે
નડિયાદ રૂરલ પોલીસે ડમ્પર ચાલક વિરૂદ્ધ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
જ્યારે અકસ્માતના બીજા બનાવમાં મહેમદાવાદ તાલુકાના પથાવત છત્રાપુરા રોડ વિસ્તારમાં રહેતા મેલાભાઈ બુધાભાઈ ઝાલા (ઉં.વ. ૫૦) ગુરૂવારની સાંજે સાતેક વાગ્યાના સુમારે ગામની દૂધ મંડળીમાં દૂધ આપીને ચાલતા ઘરે પરત જઇ રહ્યાં હતા. આ દરમિયાન હલધરવાસ ગામ તરફથી આવતી ક્રેઈનના ચાલકે વાહનને ઓવરટેક કરવા જતાં કાબૂ ગુમાવતા મેલાભાઈને પાછળથી ટક્કર મારતા રોડ પર પટકાયા હતા. તેમના જમણા પગ ઉપર ક્રેઈનનું ટાયર ફરી વળ્યું હતું. આ અકસ્માત સર્જાતા આજુબાજુના લોકો અને સંબંધીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. અને ઇજાગ્રસ્ત મેલાભાઈને તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ બનાવ અંગે મહેમદાવાદ પોલીસે ક્રેઈનના ચાલક સામે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.


