વડોદરાથી જયપુર લગ્ન પ્રસંગે ગયેલા નિવૃત્ત પ્રોફેસરના બંધ મકાનમાંથી રૂ.2 લાખની ચોરી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara Theft Case : વડોદરા શહેરના પશ્ચિમ વિસ્તારમાં સન ફાર્મા રોડના પ્રથમ એંકલેવમાં રહેતા અને એમ.એસ યુનિવર્સિટીની ટેકનોલોજીના નિવૃત્ત પ્રોફેસર સ્નેહીજનના લગ્ન પ્રસંગે જયપુર-રાજસ્થાન ખાતે જઈને સપ્તાહ બાદ પરત આવતા બંધ મકાનનું ઇન્ટરલોક તોડીને ત્રાટકેલી ચોર ટોળી સોના ચાંદીના દાગીના અને રૂ.25 હજારની રોકડ સહિત કુલ રૂ.બે લાખની બે લાખની માલમતા ચોરી ગયા હતા. માનસિક રીતે પડી ભાંગેલા પ્રોફેસરે જે તે વખતે ફરિયાદ કરી ન હતી. પરંતુ સગા સંબંધીઓના કહેવાથી ફરિયાદ નોંધાવતા અટલાદરા પોલીસે તપાસ હાથ ધરી છે.
આ અંગેની વિગત એવી છે કે શહેરના પશ્ચિમ વિસ્તારમાં સનફાર્મા રોડ પરના પ્રથમ એન્કલેવમાં રહેતા વૃદ્ધ જયેન્દ્ર નરોત્તમદાસ શાહ મ.સ. યુનિવર્સિટીની ટેકનોલોજી ફેકલ્ટીમાંથી પ્રોફેસર તરીકે નિવૃત્ત થયા છે. જયપુર-રાજસ્થાન ખાતે લગ્ન નિમિત્તે ગઈ તા.29, નવેમ્બરે ઘરના બારી દરવાજા બંધ કરીને મેઇન દરવાજાને ઇન્ટરલોકથી બંધ કર્યું હતું. લગ્ન પ્રસંગ માણીને ગઈ તા.6, ડિસેમ્બરે પત્ની સાથે પરત આવ્યા હતા. દરમિયાન બંધ મકાનના મુખ્ય દરવાજાનું ઇન્ટરલોક તોડી કબાટનો સામાન વેરવિખેર કરી નાખ્યો હતો. મંદિરમાંથી લક્ષ્મીજીની ચાંદીની મૂર્તિ, ગણપતિની ચાંદીની મૂર્તિ, ગાયની ચાંદીની મૂર્તિ સહિત કબાટના ડ્રોવરમાંથી સોનાની ચેન પેન્ડલ સાથે બે મંગળસૂત્ર, સોનાની વીંટી, સોનાની કાનની બુટ્ટી અને રોકડ રૂપિયા 25 હજાર સહિત કુલ રૂપિયા 1.98 લાખની માલમતા ચોરી ગયા હતા. જોકે શહેર કંટ્રોલને જાણ કરતા તત્કાળ પોલીસ આવી ગઈ હતી. પરંતુ ઘરમાં ચોરી થવાથી માનસિક રીતે ભાંગી પડેલા નિવૃત્ત પ્રોફેસરે કોઈ પોલીસ ફરિયાદ કરી ન હતી. પરંતુ સગા સંબંધીઓના કહેવાથી જયેન્દ્ર શાહે ફરીયાદ નોંધાવતા અટલાદરા પોલીસે બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે.









