Get The App

વડોદરામાં ગમખ્વાર અકસ્માત, વાઘોડીયા ચોકડી પર અજાણ્યા વાહનની ટક્કે 2ના કમકમાટીભર્યા મોત

Updated: Dec 15th, 2025

GS TEAM

Google News
Google News
વડોદરામાં ગમખ્વાર અકસ્માત, વાઘોડીયા ચોકડી પર અજાણ્યા વાહનની ટક્કે 2ના કમકમાટીભર્યા મોત 1 - image


Vadodara News: વડોદરા શહેરમાં રફ્તારનો કહેર યથાવત છે. શહેરમાં અકસ્માતોની ઘટનામાં સતત ચિંતાજનક વધારો થઈ રહ્યો છે, ત્યારે આજે વાઘોડિયા ચોકડી નજીક આવેલા બ્રિજ પર વધુ એક જીવલેણ અકસ્માત સર્જાયો છે. અજાણ્યા વાહનની અડફેટે આવતા બાઈક સવાર બે લોકોના ઘટનાસ્થળે જ મોત નિપજતા અરેરાટી વ્યાપી ગઈ છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, વાઘોડિયા ચોકડી નજીક બ્રિજ પરથી પસાર થઈ રહેલા એક બાઈકને કોઈ અજાણ્યા વાહન ચાલકે જોરદાર ટક્કર મારી હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે બાઈક પર સવાર બે પુરુષોના ઘટનાસ્થળે જ પ્રાણ પંખેરૂ ઉડી ગયા હતા. અકસ્માત બાદ વાહન ચાલક ફરાર થઈ ગયો હોવાનું મનાઈ રહ્યું છે.

અકસ્માતની જાણ થતાં જ આસપાસના લોકોના ટોળેટોળા ઘટનાસ્થળે એકઠા થઈ ગયા હતા. બનાવની જાણ થતાં જ કપુરાઈ પોલીસ સ્ટેશનનો કાફલો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યો હતો. પોલીસે બંને મૃતદેહોનો કબજો મેળવી તેને પોસ્ટમોર્ટમ અર્થે સયાજી હોસ્પિટલ ખસેડ્યા છે.

આ મામલે કપુરાઈ પોલીસે અજાણ્યા વાહન ચાલક સામે અકસ્માતનો ગુનો નોંધી, સીસીટીવી ફૂટેજ અને અન્ય પુરાવાના આધારે વાહન ચાલકને ઝડપી પાડવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.