Gujarat

પ્રવેશોત્સવમાં જ છતનું પોપડું ખરી પડતાં 2 બાળકીને ઇજા

By GS TEAM
28 Jun 20252 mins read
પ્રવેશોત્સવમાં જ છતનું પોપડું ખરી પડતાં 2 બાળકીને ઇજા

ડોળાસા નજીકના લેરકા ગામે સરકારી તાયફા વચ્ચે સાચુકલો અકસ્માત : શાળાનું બિલ્ડિંગ 10 જ વર્ષ જૂનું, : છત તો હમણાં જ રિપેર કરાઇ હતીઃ નૌટંકીમાં હાજર અફસરો છોભીલા : બન્ને બાળાને શાળા પ્રવેશે જ ઘાત! 

ડોળાસા, : ડોળાસાથી ત્રણ કિલોમીટર દૂર આવેલ લેરકા ગામે આશરે દશ વર્ષ પૂર્વે નિર્માણ પામેલ અન ેતાજેતરમાં જ મરામત પામેલ શાળાના રૂમમાં છત ઉપરથી બે જગ્યાએથી પ્રવેશોત્સવ દરમ્યાન જ પોપડા ખરતા બે બાળાઓને ઇજા પહોંચી છે. ત્યારે શાળાની નબળી કામગીરી પર અનેક સવાલો ઉઠયા છે. ઉના તાલુકાના લેરકા ગામની પ્રાથમિક શાળામાં આજે પ્રવેશ મહોત્સવ હતો. આ પ્રસંગે કેળવણી નિરીક્ષક, તાલુકા પ્રાયમરી એજ્યુકેશન ઓફિસર, ટી.આર.પી. ગામના સરપંચ, માજી સરપંચ સહિત અનેક અગ્રણીઓ અને વિશાળ સંખ્યામાં વાલીઓ ઉપસ્થિત હતા. નિયત સમયે શાળા પ્રવેશ મહોત્સવ ચાલુ થયો અને પંદર મિનિટ બાદ વરસાદનું ઝાપટું પડતાં તુરંત બધા પાછળ આવેલા બન્ને રૂમમાં જઇ થોડીયાર ઊભા રહ્યા. ત્યારે અચાનક જ તાજેતરના રિપેર કરવામાં આવેલ. છતનું ત્રણ ફૂટથી મોટું પોપડું નીચે ઊભેલી દિપાંશી અશ્વિનભાઇ સોલંકી તથા બાલવાટિકામાં પ્રવેશ મેળવનાર રિયાંશી વિપુલભાઇ સોલંકી નામની નાની બાળાઓ પડતાં બન્નેને સામાન્ય ઇજા પહોંચી છે. 

લેરકા શાળાના આ રૂમમાં તાજેતરમાં જ મરામત કામ કરાવવામાં આવ્યું હતું. આમ છતાં આ દુર્ઘટના બની છે. ત્યારે સરકારી શાળાઓના મકાનોનું ભવિષ્ય ટૂંકુ કેમ છે. તેવા સવાલો ચર્ચાઇ રહ્યા છે. 

છેલ્લાં કેટલાક વર્ષો દરમ્યાન ગુજરાત સરકારે શિક્ષણ અને શાળાલઓના બિલ્ડિંગ પાછળ મોટો ખર્ચ કરી રહી છે. પણ આ બિલ્ડિંગોનું કામ પ્રમાણમાં મોટા ભાગે નબળું જોવા મળે છે. વીસ વર્ષમાં શાળાના મકાનો નબળા પડી જાય છે. દરમ્યાન તેની મરામત પણ કરાવવામાં આવે છે. જાણકારો પાસેથી મળતી વિગતો અનુસાર શાળા એક રૂમ પાછળ સરકાર આઠથી દસ લાખ રૂપિયા મરામત પાછળ ખર્ચે છે. આમ, છતાં સરેરાશ નબળું કામ કેમ ચલાવી લેવામાં આવે છે. તેવા સવાલો ગ્રામજનો ઊઠાવી રહ્યા છે.