રાજકોટમાં ગરબી જોઈ ઘરે જઈ રહેલાં 2 મિત્રોના અકસ્માતમાં મોત

નંદા હોલ પાસે બાઈક ડીવાઈડર સાથે અથડાયું : બંને મિત્રો માતાપિતાના એકલૌતા પુત્ર હતા :બંનેના પરિવારમાં ઘેરો શોક અને કલ્પાંત
રાજકોટ, : કોઠારીયા રોડ પરના નંદા હોલ પાસે ગઈકાલે મોડી રાત્રે ડીવાઈડર સાથે બાઈક અથડાતા સહકાર મેઈન રોડ પરના જમુનાનગર શેરી નં.પમાં રહેતાં બે મિત્રોના મોત નિપજયા હતા. જેને કારણે બંનેના પરિવારમાં કાળો કલ્પાંત મચી ગયો હતો. ભક્તિનગર પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી મુજબ જમુનાનગર શેરી નં.પમાં રહેતો મિહિર રાજેશભાઈ ગોસાઈ (ઉ.વ. 20) પાડોશમાં રહેતાં મિત્ર મોહિત નિલેશભાઈ ટાંક (ઉ.વ. 16)ને ગઈકાલે રાત્રે પોતાના બાઈક પાછળ બેસાડી ગરબી જોવા ગયો હતો. ગરબી જોયા બાદ રાત્રે દોઢેક વાગ્યે બંને ઘરે જતા હતા ત્યારે નંદા હોલ પાસે ગમે તે કારણસર તેમનું બાઈક ડીવાઈડર સાથે અથડાતાં બંનેને માથા સહિતના શરીરના ભાગો પર ગંભીર ઈજા થઈ હતી.
જેથી બંનેને 108માં સિવીલ ખસેડાયા હતા. જયાં મિહિરનું મોત નિપજયા બાદ થોડા કલાકો બાદ મોહિતે પણ દમ તોડી દીધો હતો. બંને તેના માતાપિતાના એકલૌતા પુત્ર હતા. બંનેના મોતથી તેમના પરિવાર પર આભ તૂટી પડયું હતું. જાણ થતાં ભક્તિનગર પોલીસ સ્થળ પર અને હોસ્પિટલ દોડી ગઈ હતી. પોલીસે મૃતક મોહિતના માતા ચાંદનીબેન (ઉ.વ. 39)ની ફરિયાદ પરથી બાઈક ચલાવતાં મૃતક મિહિર સામે બેદરકારીથી બાઈક ચલાવી પોતાનું અને મિત્રનું મૃત્યુ નિપજાવવા અંગેની કલમ હેઠળ ગુનો દાખલ કર્યો હતો.
પ્રાપ્ત માહિતી મુજબ મિહિર કોઈ દુકાનમાં નોકરી કરી પરિવારને મદદરૂપ બનતો હતો. જયારે મૃતક મોહિત બે બહેનોનો એકલૌતો ભાઈ હતો. તે પણ કોઈ દુકાનમાં નોકરી કરતો હતો. બંનેના માતા કેટરર્સનું કામ કરે છે અને બહેનપણી છે. ખરેખર બંનેનું બાઈક કયા કારણથી ડીવાઈડર સાથે અથડાયું તે બાબતે પોલીસને કોઈ માહિતી મળી નથી પરંતુ પરિવારના સભ્યોએ સામેથી આવતા કોઈ ભારે વાહનની લાઈટને કારણે અંજાઈ જતાં આ અકસ્માત સર્જાયાની શકયતા દર્શાવી છે.








