શાપરમાં દારૂ પીધા બાદ ઉપરથી એસીડ પીનાર 2 મિત્રોનાં મોત
જિંદગીથી કંટાળી બંનેએ આત્મહત્યા કરી લીધી : એક યુવાન ચાની હોટલમાં નોકરી કરતો હતો : બીજો યુવાન ડ્રાઇવિંગ કરતો હતો
રાજકોટ, : શાપર (વેરાવળ)માં રહેતા બે મિત્રોએ દારૂ પીધા બાદ ઉપરથી એસીડ ગટગટાવી લેતાં ગંભીર હાલતમાં રાજકોટની સિવિલમાં ખસેડાયા હતાં. જ્યાં સાંજે બંનેએ દમ તોડી દીધો હતો. જીવનથી કંટાળી બંને મિત્રોએ આપઘાત કરવાના ઇરાદે એસીડ પી લીધાનું શાપર પોલીસની તપાસમાં બહાર આવ્યું છે.
શાપરમાં ભૂમિ ગેઇટ પાસે ઝુંપડામાં રહેતા વિશાલ રાજુભાઈ પરમાર (ઉ.વ. 19) અને યુવરાજ ગુલાબભાઈ રાઠોડ (ઉ.વ. 17)એ ગઇકાલે રાત્રે શાપરમાં પાન ગેઇટની અંદર એસીડ પી લેતાં બંનેને રાજકોટની સિવિલમાં ખસેડાયા હતાં. જેમાંથી યુવરાજની હાલત વધુ ગંભીર હોવાથી તેને આઈસીયુમાં રખાયો હતો. સવારે વિશાલે દેશી દારૂ સાથે વધુ નશો કરવા માટે ટોયલેટ ક્લીનર તરીકે ઉપયોગમાં લેવાતું એસીડ ભેળવી પી લીધાનું અને સાથે મિત્ર યુવરાજે પણ તેમ કર્યાનું કહ્યું હતું. જો કે શાપર પોલીસે બંનેએ માત્ર એસીડ પી લીધાનું કહ્યું હતું. જ્યારે એસપી હિમકરસિંહે દારૂ પીધા બાદ એસીડ પી લીધાની પુષ્ટિ કરી હતી. જેને કારણે બનેની તબિયત લથડતા રાજકોટની સિવિલમાં ખસેડાયા હતાં. જ્યાં આજે સાંજે સૌથી પહેલા આઈસીયુમાં રહેલા યુવરાજે અને તેના થોડા સમય બાદ વિશાલે દમ તોડી દીધો હતો. જેને કારણે બંનેના પરિવારમાં કલ્પાંત મચી ગયો હતો. યુવરાજ બે ભાઈ અને બે બહેનમાં નાનો હતો, ચાની હોટલમાં નોકરી કરતો હતો. જ્યારે વિશાલ બે ભાઈ અને બે બહેનમાં બીજા નંબરનો હતો અને ડ્રાઇવિંગ કરતો હતો. શાપર પોલીસે જણાવ્યું કે વિશાલનું નિવેદન લેવાયું છે. જેની વીડિયોગ્રાફી પણ કરવામાં આવી છે.