સૌરાષ્ટ્રમાં 1 દિવસમાં 2 ભૂકંપો, લાલપુર-તાલાલા પંથકમાં ધરતી ધ્રૂજી
ગુજરાતનાં પેટાળમાં હલચલ વધી : દર 2 દિવસે એક ભૂકંપ : છતર પાસે જમીનમાં 18 કિ.મી. ઊંડાઈએ 3.0 અને તાલાલા પાસે 2.6ની તીવ્રતાથી ધરતી ધણધણી, રાજ્યમાં 20 દિવસમાં વધુ તીવ્રતાના 10 ભૂકંપો
રાજકોટ, : ગુજરાતમાં એક તરફ વરસાદનું જોર વધારે રહ્યું છે તેની સાથે પૃથ્વીના પેટાળમાં હીલચાલ પણ વધી રહી છે. આજે જામનગર જિલ્લાના લાલપુરથી 33 કિ.મી.પૂર્વ-દક્ષિણ દિશાએ છતર અને જામવાળી ગામ વચ્ચે આજે બપોરે 1.59 વાગ્યે 3.0ની તીવ્રતાનો તેમજ ગીર સોમનાથ જિલ્લાના તાલાલાથી 12 કિ.મી. ઉત્તરપૂર્વ દિશામાં ભોજદે ગામ નજીક 2.6ની તીવ્રતાનો એમ એક દિવસમાં સૌરાષ્ટ્રમાં 2 ધરતીકંપો નોંધાયા છે.સૌરાષ્ટ્રમાં લાંબા સમય પછી આ આંચકા આવ્યો છે.
છતર ગામ પાસે બડલો ડુંગર આવેલો છે જે બરડાડુંગર વન્યજીવન અભ્યારણ્યનો એક ભાગ છે અને પ્રવાસીઓ માટે આકર્ષણરૂપ રહેલ છે. તેની નજીક જમીનમીાં 18.1 કિ.મી.ઉંડાઈએ આ કંપન ઉદ્ભવ્યું હતું. જ્યારે તાલાલા પંથકમાં અગાઉ પણ અનેકવાર નાના-મોટા આંચકા આવતા રહ્યા છે પરંતુ, લાંબા સમય બાદ વધુ તીવ્રતાનો ભૂકંપ નોંધાયો છે.
ગુજરાતમાં ઓગષ્ટ માસમાં ભૂકંપના તીવ્ર આંચકામાં વધારો જોવા મળ્યો છે. ચાલુ મહિનાના તા. 5થી આજે તા. 25 સુધીના 20 દિવસમાં જ 10 ધરતીકંપો અને એક માસમાં 13 ભૂકંપો નોંધાયા છે. અર્થાત્ દર બે દિવસે એક આંચકો અને તે પણ 2.5થી વધુ તીવ્રતાનો આવે છે અને તેથી ઓછી તીવ્રતાના આંચકા તો સતત આવતા રહે છે.