વડોદરાના ગોત્રી અને છાણીમાં બે પીધેલા કારચાલક પકડાયા, એક ચાલકે સરકારી કેમેરા તોડ્યા
photo : Social media
Vadodara Police : વડોદરાના ગોત્રી અને છાણી જકાતનાકા વિસ્તારમાં બે પીધેલા કાર ચાલક પકડવાના જુદા-જુદા બે બનાવ બનતા પોલીસે કાર્યવાહી કરી હતી.
ગોત્રી સેવાસી રોડ પર સેવાસી પોલીસ ચેકપોસ્ટ પાસે આજે પરોઢિયે એક કાર ચાલકે નશામાં ચૂર હાલતમાં બેફામ રીતે કાર ચલાવતા સ્ટિઅરીંગ પરનો કાબુ ગુમાવ્યો હતો. આ સાથે કાર ડિવાઈડર પર ચડી ગઈ હતી અને થાંભલા સાથે ભટકાતા ત્રણ સરકારી સીસીટીવી કેમેરા તૂટી ગયા હતા. પોલીસે શુભમ જગદીશ શર્મા (રહે-કેવડાબાગ બેઠક મંદિર પાસે)ની ધરપકડ કરી હતી.
આવી જ રીતે છાણી જકાતનાકા વિસ્તારમાં શિવમ સોસાયટી પાસે એક કાર ચાલક ફુલ સ્પીડમાં કાર ચલાવતો હોવાથી પોલીસે તેને ઝડપી પાડી કાર કબજે કરી હતી. દારૂના નશામાં ચૂર એવા કારચાલકનું નામ સંદીપ ગીરીશભાઈ મુલાણી (શિવમ સોસાયટી,ન્યુ સમા રોડ) હોવાનું ખુલ્યું હતું.