પંદર દિવસમાં બે ડેપ્યુટી કમિશનરની વિદાય, સુરત પાલિકાના વહીવટી તંત્રમાં ફરી ખાલીપો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Surat Corporation : રાજ્ય સરકારે પંદર દિવસ પહેલા ઉચ્ચ અધિકારીઓની બદલી કરવામાં આવી તેમાં સરકારે સુરત પાલિકામાં ડેપ્યુટી કમિશનર તરીકે ડેપ્યુટેશન પર મુકેલા અધિકારીની બદલી થઈ હતી. ત્યાર બાદ ગઈકાલે મોડી રાત્રે સરકારે વધુ એક બદલીનો હુકમ કર્યો છે. તેમાં રાજ્ય સરકારમાંથી પાલિકામાં ડેપ્યુટેશન પર આવેલા વધુ એક અધિકારીની બદલી થઈ છે. પંદર દિવસમાં બે ડેપ્યુટી કમિશ્નરની બદલી થઈ છે અને તેમની જગ્યાએ કોઈ નવી નિમણુંક થઈ નથી ત્યારે અધિકારીઓની અછત વચ્ચે સુરત પાલિકાના ઉચ્ચ અધિકારી પર કામગીરીનું ભારણ વધશે તે નક્કી થઈ ગયું છે.
રાજ્ય સરકારે તાજેતરમાં વહીવટી સેવાના ઉચ્ચ અધિકારીઓની બદલીનો દોર શરૂ કર્યો છે. તેના ભાગરૂપે સુરત મહાનગરપાલિકામાં રાજ્ય સરકારમાંથી ડેપ્યુટેશન પર ફરજ બજાવતા અધિકારીઓની પણ બદલી કરવામાં આવી રહી છે. પંદર દિવસ અગાઉ ડેપ્યુટી કમિશનર દિનેશ ગુરવની બદલી કરવામાં આવી હતી. ગુરવ પાસે એક ઝોન ઉપરાંત આશરે 10 જેટલા મહત્વના વિભાગોની જવાબદારી હતી. તેમની બદલી બાદ આ વિભાગોનો કાર્યભાર અન્ય અધિકારીઓ વચ્ચે વહેંચવામાં આવ્યો છે તેના કારણે અધિકારીઓ પર કાર્યભારણ વધી રહ્યું છે.
આ પ્રક્રિયા હજી સ્થિર થાય તે પહેલાં જ રાજ્ય સરકારે ગઈકાલે મોડી રાત્રે વધુ એક બદલીનો આદેશ જાહેર કર્યો છે, જેમાં ડેપ્યુટી કમિશનર રાજેશ ભોગાયતાની પણ બદલી કરવામાં આવી છે. મહત્વની બાબત એ છે કે બંને અધિકારીઓની બદલી છતાં તેમની જગ્યાએ કોઈ નવા અધિકારીની નિમણૂક કરવામાં આવી નથી.
પાલિકામાં પહેલેથી જ ડેપ્યુટી કમિશનર અને અન્ય ઉચ્ચ હોદ્દાના અધિકારીઓની અછત છે અને તેમાં પણ કેટલાક ઉચ્ચ અધિકારીઓની કાર્યક્ષમતા સામે પ્રશ્નો છે. કેટલાક તો લાયકાત ઓછી હોવા છતાં ચેપ્ટર પ્રોવાઈઝોથી ઉચ્ચ અધિકારી બની ગયા હોય તેવી ફરિયાદ થઈ રહી છે. આ ફરિયાદ વચ્ચે સતત બે ડેપ્યુટી કમિશનરની વિદાયથી હાલ ફરજ પર રહેલા અધિકારીઓ પર વધારાની જવાબદારીઓનો બોજ આવશે. પરિણામે વિવિધ વિભાગોની કામગીરી, ફાઇલોના નિકાલની ગતિ અને નીતિગત નિર્ણયો પર પણ અસર થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
વહીવટી વર્તુળોમાં ચર્ચા છે કે રાજ્ય સરકાર જો ટૂંક સમયમાં ખાલી પડેલી જગ્યાઓ પર નવી નિમણૂક નહીં કરે તો પાલિકાના ઉચ્ચ અધિકારીઓને એક સાથે અનેક વિભાગોની જવાબદારી સંભાળવી પડશે. જેના કારણે વિકાસલક્ષી તેમજ દૈનિક વહીવટી કામગીરીમાં વિલંબ થવાની સંભાવના નકારી શકાય તેમ નથી. પંદર દિવસના ટૂંકા ગાળામાં બે ડેપ્યુટી કમિશનરની બદલી થતાં હવે પાલિકાના વહીવટી તંત્રમાં ઉભા થયેલા ખાલીપાને કેવી રીતે ભરવામાં આવે છે તેના પર સૌની નજર રહેલી છે.








