Lacking Safety on Amreli State Highway : અમરેલીથી ક્રાંકચ સ્ટેટ હાઈવે પર વાઈડિંગ સાથે રોડ પહોળો કરવાની કામગીરીમાં રોડ સેફ્ટી, ડાયવર્ઝન અને કામમાં ગેરરીતી મામલે સ્થાનિક નેતાઓએ સાંસદ અને મુખ્યમંત્રીને લેખિતમાં રજૂઆત કરી છે. છેલ્લા 36 કલાકમાં રોડ સેફ્ટીના અભાવે 2 લોકોના મોત થયા છે, ત્યારે આ મામલે તાત્કાલિક તપાસ કરીને જવાબદારી એજન્સી સામે યોગ્ય કાર્યવાહી કરવાની માગ કરી છે.
સ્ટેટ હાઈવેની કામગીરીમાં રોડ સેફ્ટીનો અભાવ
અમરેલી જિલ્લામાં સ્ટેટ હાઈવેની કામગીરીમાં રોડ સેફ્ટીના અભાવને લઈને લોકોમાં નારાજગી જોવા મળી રહી છે. આ મામલે લીલીયાના ભાજપના યુવા આગેવાને સાંસદ ભરત સુતરીયા અને કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખીને યોગ્ય કાર્યવાહી કરવાની માગ કરી છે.

કોંગ્રેસના નેતાએ મુખ્યમંત્રીને લખ્યો પત્ર
કોંગ્રેસ નેતાએ જણાવ્યું કે, 'અમરેલીથી લીલીયા વચ્ચે સ્ટેટ હાઈવેના વાઈડિંગ અને રોડ પહોળો કરવાની કામગીરી શરૂ છે. અઢી વર્ષ થયા છતાં હજુ કામ પૂર્ણ કરાયું નથી. જ્યારે ડાયવર્ઝનના કારણે સ્થાનિકોને ધૂળ, આરોગ્યની સમસ્યાનો સામનો કરવો રડી રહ્યો છે. આ કામગીરી નીતિ-નિયમ મુજબ થતી નથી. જેમાં રોડ સેફ્ટીના નિયમ મુજબ કામગીરી ન થતાં ટ્રાફિક અને અકસ્માત-દુર્ઘટના ઘટી રહી છે. એટલે આ મામલે તપાસ બેસાડીને જવાબદાર એજન્સી સામે યોગ્ય કાર્યવાહી હાથ ધરવામાં આવે અને રોડ સેફ્ટીના નિયમને ધ્યાનમાં રાખીને હાઈવેની કામગીરી કરવામાં આવે...'
તંત્રની ઘોર બેદરકારીના કારણે બેના મોત
અમરેલી-લીલીયા રોડ પર છેલ્લા લાંબા સમયથી ચાલી રહેલા બ્રિજના કામો હવે નિર્દોષ લોકો માટે જીવલેણ સાબિત થઈ રહ્યા છે. બે અલગ-અલગ ઘટનાઓએ તંત્ર અને કોન્ટ્રાક્ટરની ગંભીર લાપરવાહી ખુલ્લી પાડી છે. 9 જાન્યુઆરીની રાત્રે સલડી નજીક બ્રિજની કામગીરીમાં રોડ સેફ્ટી ન લગાવવાના કારણે એક આધેડના માથામાં લોખંડનો સળિયો ઘૂસી જતા મોત નીપજ્યું હતું.

આ મામલે સલડી યુવા ભાજપના નેતાએ અમરેલી સાંસદ ભરત સુતરીયાને પત્ર લખીને અધિકારી અને કોન્ટ્રાકટર સામે પગલાં ભરવાની માગ કરી છે. જ્યારે 2 દિવસ પહેલા લાલાવદર નજીક લીલીયા રોડ અંડરબ્રિજમાં બાઇક નીચે ખાબકતા 1 યુવકનું મોત થયું હતું.


