પ્રેમલગ્ન કરવાની ના પાડતા 2 પુત્રીઓએ પિતાને માર માર્યો
પોરબંદર નજીકના આદિત્યાણા ગામે : પથ્થર ઝીંકી ઢીકાપાટુનો માર મારતાં ફરિયાદ
પોરબંદર, : પોરબંદર નજીકના આદિત્યાણા ગામે બે પુત્રીઓએ સાથે મળીને પિતાને પથ્થર વડે અને ઢીકાપાટુનો માર મારતા પોલીસ ફરિયાદ દાખલ થઇ છે.
આદિત્યાણા ગામે બરડાઇ બ્રહ્મસમાજની સામે રહેતા દિનેશ કારાભાઇ મારૂ નામના પ્રૌઢે એવી પોલીસ ફરિયાદ નોંધાવી છે કે કોલેજમાં અભ્યાસ કરતી તેની 21 વર્ષની દીકરી શિવાનીએ એક છોકરા સાથે પ્રેમસંબંધ હોવાનું જણાવ્યુ હતુ અને તેની સાથે તેને લગ્ન કરવા છે તેમ કહેતા પિતા દિનેશભાઇએ પુત્રી શિવાનીને ત્યાં લગ્ન કરવાની ના પાડી હતી. બાદમાં દિનેશભાઇ અગાસી ઉપર સુવા માટે ગયા હતા. થોડીવાર પછી મોટી દીકરી શિવાની અને બીજા નંબરની દીકરી પ્રિયંકા અગાસીએ આવ્યા હતા અને પિતા દિનેશભાઇ સાથે બોલાચાલી કરવા લાગ્યા હતા. એટલું જ નહીં પ્રિયંકાએ અગાસી ઉપર પડેલ પથ્થર ઉપાડીને પિતા ઉપર છુટ્ટો ઘા કરતા કપાળ ઉપર લાગતા લોહી નીકળવા લાગ્યુ હતુ, તો શિવાની પિતાને ઢીકાપાટુનો માર મારવા લાગી હતી. એ દરમિયાન ફરિયાદીનો 15 વર્ષનો પુત્ર સિધ્ધાર્થ વચ્ચે પડયો હતો અને પિતાને ભાવસિંહજી હોસ્પિટલ ખાતે સારવારમાં લઇ ગયો હતો. રાણાવાવ પોલીસમથક ખાતે ફરિયાદ નોંધાતાં આગળની તપાસ રાણાવાવ પોલીસ ચલાવી રહી છે.