જામનગરમાં મહિલાની છેતરપિંડીનો ભોગ બનેલા એક મહિલા સહિતના બે નાગરિકોએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી
Jamnagar : જામનગરમાં પટેલ કોલોની વિસ્તારમાં રહેતી ચાર્મીબેન ગજાનંદભાઈ વ્યાસ નામની અનેક વિપ્ર યુવતીએ લોકોને ખોટું પ્રલભન આપીને લાખો રૂપિયાની રકમ ચાઉં કરી લીધી હોવાની માહિતી પોલીસને મળતાં પોલીસ દ્વારા ચાર્મીબેનની ઉંડાણ પૂર્વકની પૂછપરછ કરવામાં આવી હતી. જેમાં લોકોને પોલીસ મથકમાં આવી ફરિયાદ નોંધાવવાનું જાહેર કરાયું હતું, જેના અનુસંધાને એક મહિલા સહિત બે નાગરિકો તેની સામે સી.ટી. બી.ડિવીઝન પોલીસમાં ફરિયાદ નોંધાવવા માટે પહોંચ્યા છે.
જામનગરમાં જોગર્સ પાર્ક વિસ્તારમાં રહેતી નીલોબેન કિર્તીભાઈ શાહ નામની મહિલાએ ચાર્મીબેન ગજાનંદભાઈ વ્યાસ ઉપરાંત જામનગરના જાણીતા એડવોકેટ જાગૃતિબેન વ્યાસ અને નાહેલાબાનુ મેંમણ નામની મહિલા સહિત ત્રણ સામે પોતાની રૂપિયા 4 લાખ 20 હજારની રકમ પડાવી લઈ પોતાની સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી કર્યાની ફરિયાદ નોંધાવી છે.
આ ઉપરાંત જામનગરમાં માતવબાગ વિસ્તારમાં રહેતા નિમેષભાઈ દિલીપકુમાર શેઠ નામના 41 વર્ષના યુવાને પણ ચાર્મીબેન અને એડવોકેટ જાગૃતિબેન તથા નાહેલાબાનુ મેમણ વગેરે સામે પૂર્વ આયોજીત કાવતરું પડી છેતરપિંડી કરવા અંગેનો ગુનો નોંધ્યો છે જેને પોતાની શ્રીજી એન્ટરપ્રાઇઝ નામની પેઢી મારફતે સસ્તા ભાવે ઇલેક્ટ્રોનિક ઉપકરણો મંગાવ્યા પછી તેમાં નફો મેળવી લેવાની લાલચે 10 લાખ જેવી માતબર રકમ મેળવી લીધી હતી. જે પરત નહીં આપી વિશ્વાસઘાત અને ઠગાઈ કરી હોવાથી મામલાને સીટી બી.ડિવીઝન પોલીસ મથકમાં લઈ જવાયો છે, અને પોલીસ દ્વારા સમગ્ર મામલામાં વધુ તપાસ ચલાવાહી રહી છે.