અમૂલ ડેરીના ચૂંટણી વિવાદમાં હાઇકોર્ટના સ્ટેને પગલે બે ઉમેદવાર ચૂંટણી લડી શકશે
ચૂંટણી અધિકારી દ્વારા ઉમેદવારીપત્ર રદ કરવાના નિર્ણયને પડકાર
આણંદ બેઠક પર વિજયસિંહ મહિડા અને કપડવંજ બેઠક પર શારદાબેન પટેલનું ઉમેદવારીપત્ર માન્યઃ ત્રણ ઉમેદવારોએ અરજી પાછી ખેંચી
અમદાવાદ: અમૂલ(ખેડા જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી સંઘ)ની આગામી તા.૧૦મી સપ્ટેમ્બરના રોજ યોજાનારી પ્રતિષ્ઠાભરી ચૂંટણીમાં પાંચ ઉમેદવારોના ઉમેદવારીપત્રો રદ કરવાના ચૂંટણી અધિકારીના નિર્ણયને નારાજ ઉમેદવારોએ હાઇકોર્ટમાં રિટ અરજી કરી પડકાર્યો હતો. જો કે, ત્રણ ઉમેદવારોના કિસ્સામાં હાઇકોર્ટે રાહત નહી આપતાં તેઓએ પોતાની અરજી પાછી ખેંચી લીધી હતી, જયારે અન્ય બે ઉમેદવારો શારદાબહેન હરિભાઇ પટેલ અને વિજયસિંહ મહિડાના કિસ્સામાં તેમના ઉમેદવારીપત્ર રદ કરવાના ચૂંટણી અધિકારીના નિર્ણય પર જસ્ટિસ નિરલ આર.મહેતાએ સ્ટે ફરમાવી દીધો હતો. જેને પગલે હવે આ બંને ઉમેદવારો ચૂંટણી લડી શકશે. હાઇકોર્ટે ચૂંટણી અધિકારી સહિતના સંબંધિત પક્ષકારોને નોટિસ કાઢી કેસની વધુ સુનાવણી તા.૨૫મીએ રાખી હતી.
અમૂલ (ખેડા જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી સંઘ)ની તા.૧૦મી સપ્ટેમ્બરના રોજ ચૂંટણી યોજાવાની છે. જો કે, પાંચ જેટલા ઉમેદવારોના કિસ્સામાં સંબંધિત વાંધેદારો અને બિનહરીફ ચૂંટાયેલા ઉમેદવારો તરફથી આ પાંચ ઉમેદવારો વિરૂદ્ધ ચૂંટણી અધિકારી સમક્ષ વાંધાઓ આપી તેમનું ઉમેદવારીપત્ર રદ કરવા માંગણી કરી હતી. વાંધેદારો તરફથી અપાયેલા વાંધાઓ ગ્રાહ્ય રાખી ચૂંટણી અધિકારીએ શારદાબહેન હરિભાઇ પટેલ, વિજયસિંહ મહિડા સહિત પાંચ ઉમેદવારોના ઉમેદવારીપત્રો રદ કર્યા હતા.
ચૂંટણી અધિકારીના નિર્ણયથી નારાજ આ પાંચેય ઉમેદવારો તરફથી હાઇકોર્ટમાં રિટ અરજી કરાઇ હતી, જેમાં સંબંધિત વાંધેદારો અને બિનહરીફ જાહેર ઉમેદવારો તરફથી બે વકીલોએ જણાવ્યું હતું કે, ચૂંટણી અધિકારીનો ઉમેદવારીપત્ર રદ કરવાનો નિર્ણય બિલકુલ યોગ્ય અને વાજબી છે કારણ કે, જે ઉમેદવારીપત્રો રદ કરાયા છે તે ઉમેદવારોના પરિવારના લોકો કે સગા-સંબંધી અમૂલમાં નોકરી કરે છે અને ગુજરાત કો.ઓ.સોસાયટીઝ એકટની કલમ-૩૨ હેઠળ જો ઉમેદવારોના પરિવારમાંથી કોઇપણ કે સગા-સંબંધી જે તે સહકારી મંડળીમાં નોકરી કરતા હોય તો તે ઉમેદવારી કરવા માટે ગેરલાયક ઠરે છે. મંડળીઓના પેટા નિયમ-૧૭માં પણ આ જ પ્રકારની સ્પષ્ટ જોગવાઇ છે ત્યારે તેમના ઉમેદવારીપત્રો રદ કરવાનો નિર્ણય કાયદેસર, વાજબી અને યોગ્ય ઠરે છે.
પક્ષકારોને સાંભળ્યા બાદ જસ્ટિસ નિરલ આર.મહેતાએ પાંચ પૈકીના ત્રણ ઉમેદવારોના કિસ્સામાં રાહત આપવાનો ઇન્કાર કરી દેતાં તેમને પોતાની અરજી પાછી ખેંચી લેવી પડી હતી, જયારે બે ઉમેદવારો શારદાબહેન હરિભાઇ પટેલ (કપડવંજ) અને વિજયસિંહ મહિડા (આણંદ)ના કિસ્સામાં તેમના ઉમેદવારીપત્રો રદ કરવાના ચૂંટણી અધિકારીના નિર્ણય સામે સ્ટે ફરમાવ્યો હતો. હાઇકોર્ટના આ મનાઇહુકમને પગલે હવે આ બંને ઉમેદવારો તા.૧૦મીએ યોજાનારી ચૂંટણી લડી શકશે. કેસની વધુ સુનાવણી તા.૨૫ સપ્ટેમ્બરે રખાઇ છે.