મેટોડા અને શાપરમાંથી ગેરકાયદે રહેતી 2 બાંગ્લાદેશી મહિલાઓ ઝડપાઇ

અત્યાર સુધીમાં 12 બાંગ્લાદેશી અને 3 પાકિસ્તાની નાગરિકો પકડાઇ ચૂક્યા છે : મોબાઇલ ફોનમાંથી બાંગ્લાદેશના પીપલ્સ રિપબ્લીક સરકારનું રાષ્ટ્રીય ઓળખપત્ર પણ મળી આવ્યું
રાજકોટ, : રાજકોટ જિલ્લાની ઔદ્યોગિક વસાહત મેટોડા જીઆઈડીસી અને શાપર વેરાવળમાંથી વધુ બે ગેરકાયદે રીતે રહેતી બાંગ્લાદેશી મહિલાઓ ઝડપાઇ છે. ઝુંબેશ શરૂ થયા બાદ રાજકોટ જિલ્લામાં અત્યાર સુધીમાં 12 બાંગ્લાદેશી અને 3 પાકિસ્તાની નાગરિકો ઝડપાઇ ચૂક્યા છે. મેટોડા જીઆઈડીસી પોલીસે મેટોડા જીઆઈડીસી ગેઇટ નં. ૨ની બાજુમાં આવેલા બસ સ્ટેન્ડ પાસે ઉભેલી પાંખીબેગમ ઉર્ફે સુમી ખલીલ સરદાર (ઉ.વ.૩૬)ને ઝડપી લીધી હતી. અત્યાર સુધી પાંખીબેગમ ચોટીલામાં રહેતી હતી. જ્યાંથી મેટોડા જીઆઈડીસીમાં આવી હતી. જે અંગે બાતમી મળતાં પોલીસે તેને ઝડપી લીધી હતી. તેના મોબાઇલ ફોનમાંથી બાંગ્લાદેશના પીપલ્સ રિપબ્લીક સરકારનું રાષ્ટ્રીય ઓળખપત્ર પણ મળી આવ્યું હતું.
તેને નજરકેદમાં રાખી હવે પૂછપરછ શરૂ કરાઇ છે. આ જ રીતે શાપર વેરાવળ પોલીસે શાપરના બસ સ્ટેન્ડ પાસેથી હાસીબેન હમઝા મંડલ (ઉ.વ. 28)ને ઝડપી લીધી હતી. પોલીસ સૂત્રોએ જણાવ્યું કે હાસીબેન બાંગ્લાદેશના વતની છે. ગેરકાયદે રીતે અત્યાર સુધી અમદાવાદમાં રહેતા હતા. જ્યાંથી આજે જ ચોટીલા આવ્યા હતા. જે અંગે બાતમી મળતાં તેને ઝડપી લેવાયા છે. અમદાવાદમાં ખરેખર કેટલા સમયથી રહે છે, કેટલા સમય પહેલા બાંગ્લાદેશથી ગેરકાયદે રીતે ભારત આવ્યા તે સહિતના મુદ્દે હવે તપાસ કરવામાં આવી રહી છે.








