વડોદરામાં મહિલાને ગન જેવું હથિયાર બતાવી ધમકી આપનાર શખ્સ સહિત બે ઝડપાયા, નકલી પિસ્તોલ પણ કબજે કરાઇ
Vadodara Police : વડોદરા શહેરના વીઆઈપી રોડ પરથી મહિલા પોતાની કારમાં બેઠા હતા. તે દરમિયાન એક શખ્સ ધસી આવ્યો હતો અને ગન જેવું હથિયાર બતાવીને તેને ગાડીમાં બેસાડી આગળ છોડી દેવા ધમકી આપી હતી. જેની ફરિયાદ હરણી પોલીસ સ્ટેશનમાં મહિલાએ નોંધાવતા પોલીસે ગણતરીના કલાકોમાં કાયદાના સંઘર્ષમાં આવેલા કિશોર સહિત બે જણાને ઝડપી પાડ્યા હતા. પોલીસે તેમની પાસેથી નકલી ગન, મોબાઈલ અને બાઇક કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
વડોદરા શહેરમાં વી.આઇ.પી. રોડ રાજુ આમલેટ ઉપર એક મહિલા પોતાની ફોર વ્હીલર ગાડી લઇને નાસ્તો કરવા માટે ગયા હતા. નાસ્તો કરી તેઓ પરત આવવા માટે પોતાની ગાડીમાં બેસેલા હતા. ત્યારે અચાનક એક અજાણ્યો ઇસમ તેમની ગાડીમાં બેસી ગયો હતો અને ગન જેવુ હથીયાર બતાવી તેને આગળ છોડી દેવા માટે ધમકી આપી હતી. જેથી મહિલા ડરી ગયા હતા ગાડીમાંથી નીચે ઉતરી ગયા હતા. દરમ્યાન લોકોનું ટોળું ભેગું થવા લાગતા આ અજાણ્યો ઇસમ પણ ગાડીમાંથી ઉતરી નાસી ગયો હતો. જેથી મહિલાએ હરણી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ટેકનીકલ શોર્ષીસ તથા સીસીટીવી ફુટેજ મોટર સાયકલનો નંબર મેળવી આરોપી રાહુલકુમાર અરંવિદભાઇ બારીયા તેમજ કાયદાના સંઘર્ષમાં આવેલ કીશોરને શોધી કાઢયા હતા. તેની પાસેથી ગુનામાં ઉપયોગ કરેલ ગન જેવું લાગતુ હથીયાર નકલી પિસ્ટલ, મોટરસાયકલ તથા મોબાઇલ ફોન કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.