મહેમદાવાદની રાસ્કા કેનાલમાં નહાવા પડેલા અમદાવાદના 2 યુવકોના મોત
- ગરમી હોવાથી બંને યુવાનો કેનાલમાં પડયા હતા
- ટીડીઓ સહિતના અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા : ઈસનપુરના બંનેના મૃતદેહ પીએમ માટે મોકલાયા
અમદાવાદ શહેરના ઈસનપુર વિસ્તારમાં રહેતા રોહિત સિતારામ તીવારી (ઉ.વ.૧૮) પોતાના મિત્ર આલોક ઉદેસિંહ પટેલીયા (ઉ.વ.૧૮) સાથે ખેડા જિલ્લાના મહેમદાવાદ તાલુકાના રાસ્કા ગામની સીમમાં આવ્યા હતા. જ્યાંથી પસાર થતી મહી ખાતાની કેનાલમાં નહાવા માટે આ બંને યુવાનો ગયા હતા. માથે ગરમી હોવાથી યુવાનો નહાવા કેનાલના પાણીમાં પડયા હતા. જોકે, આ બંને યુવાનો નહેરના પાણીમાં ડૂબી જતાં બંને યુવનોના મોત નિપજ્યા છે. બુમાબુમ થતા ફાયરબ્રિગેડ, પોલીસ, મહેમદાવાદ ટીડીઓ, મામલતદાર ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ફાયરબ્રિગેડની ટીમની મદદથી ડૂબી ગયેલા બંને યુવાનોના મૃતદેહને કેનાલના પાણીમાંથી બહાર કાઢી પીએમ અર્થે ખસેડવામાં આવ્યા છે. આ બનાવ મામલે મૃતક રોહીત તીવારીના કાકા ભગવાનરામ તીવારીએ મહેમદાવાદ પોલીસ મથકે અપમૃત્યુનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.