- ડાકોર સિવિલ કોર્ટ એક્શન મોડમાં
- કોર્ટ દ્વારા ચેકની બમણી રકમ ભરવા માટે પણ આદેશ કરવામાં આવ્યો
ડાકોર : ડાકોર સિવિલ કોર્ટમાં છેલ્લા બે વર્ષથી ચાલતા નેગોશિયેબલ ઇન્સ્ટ્મેન્ટ એક્ટની કલમ ૧૩૮ હેઠળના બે મહત્વના કેસોમાં બુધવારે કોર્ટે ચુકાદો આપતા ગુનેગારોમાં ફફડાટ ફેલાયો છે.
પ્રથમ કેસમાં, ઠાસરા તાલુકા પંચાયતના કોન્ટ્રાક્ટર દિનેશભાઈ પાસેથી સૈયતના રહીશ ચાવડા કિર્તનભાઈએ સરપંચની ચૂંટણી લડવા માટે રૂ. ૧,૨૯,૦૦૦ ઉછીના લઈ ચેક આપ્યો હતો, જે રિટર્ન થતા કોર્ટે આરોપી કિર્તનભાઈને એક વર્ષની સાદી કેદ અને ચેકની બમણી રકમ એટલે કે રૂ. ૨,૫૮,૦૦૦ દંડ તરીકે ચૂકવવાનો હુકમ કર્યો છે, તેમજ દંડ ન ભરે તો વધુ છ માસની કેદની સજા ફટકારી છે. તેવી જ રીતે અન્ય એક કિસ્સામાં, ડાકોરના ઇલેક્ટ્રોનિક વેપારી યશ મહેતા પાસેથી રૂ. ૫૧,૭૭૦ની કિંમતના એલઈડી ટીવી અને વોશિંગ મશીન જેવી વસ્તુઓ ખરીદી ચેક આપનાર વિશાલ ગોપાલભાઈ મિી વિરુદ્ધના કેસમાં પણ કોર્ટે ફરિયાદીની જુબાની અને વકીલની રજૂઆતોને ગ્રાહ્ય રાખી આરોપીને એક વર્ષની કેદ અને બમણી રકમનો દંડ ફટકારતો હુકમ કર્યો છે. આમ, ડાકોર સિવિલ કોર્ટે કડક વલણ અપનાવી છેતરપિંડી કરનારા તત્વો સામે લાલ આંખ કરી છે.


