વડોદરામાં સગીરા સાથે દુષ્કર્મ કરી ધર્મ પરિવર્તન માટે દબાણનો મામલો, બે આરોપીની ધરપકડ
Vadodara Misdemeanor Case : વડોદરા શહેરના આજવા રોડ ઉપર રહેતા યુવકે સગીરાને લગ્નની લાલચ આપીને દોઢ વર્ષ સુધી તેને ઘરે રાખી તેના પર દુષ્કર્મ આચર્યું હતું, સાથે જ સગીરાને ધર્મ પરિવર્તન કરવા ધમકી પણ આપવામાં આવી હતી. આ મામલે કપૂરાઈ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. જે કેસમાં પોલીસે આરોપીની મદદ કરનાર અન્ય બે આરોપીની પણ ધરપકડ કરી છે. આ સાથે પોલીસે મુખ્ય આરોપી સહિત કુલ ત્રણની ધરપકડ કરી વધુ પૂછપરછ શરૂ કરી છે.
વડોદરા શહેરના પૂર્વ વિસ્તારમાં રહેતી 17 વર્ષીય સગીરાને રીક્ષા ચાલક સાહેલ નાજીમખાન પઠાણ (રહે-ઉનરદીપનગર સોસાયટી, સયાજીપુરા ગામની પાછળ, આજવા રોડ)એ પ્રેમ જાળમાં ફસાવી તા. 17/10/2023થી 18/5/2025 દરમ્યાન અનેક વખત દુષ્કર્મ આચર્યું હતું. સોહેલના મિત્રો મોહંમદ ફઇમ મહંમદ મુનાફ આરેફીનવાલા (રહે-અહેમદ પાર્ક સોસાયટી, ડભોઈ દશાલાડ ભવનની સામેની ગલીમાં, આજવા રોડ) અને જુનેદ ઉર્ફે મગર મહંમદ હનીફ મલેક (રહે-સ્ટાર એવન્યુ, મધુનગર, ગોરવા )એ તેમાં મદદગારી કરી હતી. તા.17 મે ના રોજ મુખ્ય આરોપી સાહેલના મિત્ર ફઇમ તથા જુનેદને સગીરા તેના નાનીના ઘરે ગઈ હતી તે વખતે ધાક ધમકી આપી હતી. તે બાદ સગીરા સાહેલ સાથે તેના ઘરે ગઈ ત્યારે સોહેલે કોઇ પણ કારણો વગર સગીરાને લાકડાના દંડા વડે માર મારી અને ધર્મ પરિવર્તન કરવા પણ દબાણ કરી સિગરેટના ડામ આપ્યા હતા. સગીરા મુખ્ય આરોપી સાહેલ સામે ફરિયાદ નોંધાવવા પોલીસ સ્ટેશને પહોંચી ત્યારે મોહંમદ ફઇમ અને જુનેદે ફરિયાદ ન કરવા સગીરા ઉપર દબાણ કરી ધમકી આપી હતી. જેથી પોલીસે ફરિયાદમાં આરોપી મોહંમદ ફઇમ અને જુનેદ વિરુદ્ધ ધાક ધમકી આપવાની 506(2)કલમનો ઉમેરો કર્યો હતો. કપુરાઈ પોલીસે આ ગુનામાં સંડોવાયેલ ત્રણેવ આરોપીઓને ગણતરીના કલાકોમાં ઝડપી પડી વડોદરા સેન્ટ્રલ જેલમાં ખસેડ્યા હતા.