Gujarat

ધ્રાંગધ્રાના રામમહેલ મંદિર પાસે આધેડની હત્યા કરનાર 2 આરોપી ઝડપાયા

By GS TEAM
6 Aug 20252 mins read
ધ્રાંગધ્રાના રામમહેલ મંદિર પાસે આધેડની હત્યા કરનાર 2 આરોપી ઝડપાયા

બે દિવસ અગાઉ ઠપકો આપ્યાની રીષ રાખી હુમલો કર્યો હતો

હુમલામાં ઇજાગ્રસ્ત માતા-પુત્રીને સારવાર અર્થે સુરેન્દ્રનગરની હોસ્પિટલ ખસેડાયા ઃ એક આઇસીયુ હેઠળ

સુરેન્દ્રનગર -  ગધ્રાના રામમહેલ મંદિર પાસે બે દિવસ પહેલા આપેલા ઠપકાની રીષ રાખે બે સગાઇ ભાઇઓએ બજારમાં ખરીદી કરીને પરત આવતા દંપતી અને પુત્રી પર છરી અને લોખંડની પાઇપ વડે હુમલો કરી ગંભીર ઇજા પહોંચાડી હતી જેમાં આધેડનું મોત નીપજ્યું હતું જ્યારે માત-પુત્રીને ગંભીર ઇજા પહોંચતા પ્રથમ ધ્રાંગધ્રા અને ત્યાર બાદ સુરેન્દ્રનગરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પોલીસે આ બનાવમાં ગણતરીની કલાકોમાં બંને આરોપી ભાઇઓની ધરપકડ કરી જેલ હવાલે કરી કાર્યવાહી હાથ ધરી છે.  ધ્રાંગધ્રાના કાના મંદિર પાસે રહેતા ફરિયાદી ક્રિષ્નાબેન કમલેશભાઈ પારેખ બે દિવસ પહેલા કોલેજ અર્થે સુરેન્દ્રનગર જઈ રહ્યા હતા ત્યારે આરોપીએ ફરિયાદીને તું સુરેન્દ્રનગર જાય છે તેવું પૂછયું હતું. આ અંગે ફરિયાદીએ તેમના પિતા (કમલેશભાઇ પારેખ, ઉ.વ.૫૫)ને કહેતા ફરિયાદી સહિત તેમના માતા-પિતાએ આરોપીને લાફા મારી ઠપકો આપ્યો હતો. જેનું મનદુઃખ રાખી ઉદયભાઇ ટોટાલાલ વ્યાસ અને પાથવભાઈ ટોટાલાલ વ્યાસએ સોમવારે રાત્રિએ છરી તેમજ લોખંડના પાઈપ વડે ઘા મારી પતિ-પત્ની અને પુત્રીને ઇજાઓ પહોંચાડી હતી. 

પતિ, પત્ની અને પુત્રીને ઇજાઓ પહોંચતા સારવાર અર્થે ધ્રાંગધ્રા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન કમલેશભાઇનું મોત નિપજ્યું હતું અને માતા અને પુત્રીને ગંભીર ઈજાઓ પહોચતા સારવાર અર્થે પ્રથમ ધ્રાંગધ્રા અને વધુ સારવાર અર્થે સુરેન્દ્રનગર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનાની જાણ પોલીસને થતા પોલીસ કાફલો પણ હોસ્પિટલ ખાતે આવી પહોંચ્યો હતો અને બંને આરોપીઓ સગાભાઈ ઉદયભાઇ ટોટાલાલ વ્યાસ અને પાથવભાઈ ટોટાલાલ વ્યાસને ગણતરીની કલાકોમાં જ ઝડપી પાડી પોલીસ મથકે હત્યાનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.