Gujarat

ગોલ્ડ અને ડાયમંડના બિઝનેસમાં રોકાણના બહાને ૨.૮૦ કરોડ પડાવી લીધા

By GS TEAM
9 Dec 20252 mins read
ગોલ્ડ અને ડાયમંડના બિઝનેસમાં રોકાણના બહાને ૨.૮૦ કરોડ પડાવી લીધા

 વડોદરા,ગોલ્ડ અને ડાયમંડના બિઝનેસમાં મોટો નફો હોવાનું જણાવી ૨.૮૦ કરોડ પડાવી લીધા હતા. જે અંગે વડોદરા તથા મુંબઇના વેપારી સામે મકરપુરા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ  હાથ ધરી છે.

તરસાલી સુશેન રિંગ રોડ પર હીરાબાગ ડૂપ્લેક્સમાં રહેતા અને કંપની ચલાવતા સંજયકુમાર રમણલાલ મહેતાએ મકરપુરા પોલીસ સ્ટેશનમાં તેમણે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, વર્ષ - ૨૦૧૦ માં મારી ઓળખાણ હરીશભાઇ કાશીનાથ જાદવ (રહે. શંકરબાગ સોસાયટી, તરસાલી) સાથે થઇ હતી. મને ગુરૃ બનાવનાર  સી.એ. અને યુ.કે.ના સિટિઝન દીપેશ મનસુખભાઇ ડોડીયા (હાલ રહે.મુંબઇ), હું તથા હરીશભાઇ અવારનવાર મળતા હતા. વર્ષ - ૨૦૨૪ માં  હરીશભાઇએ ગોલ્ડના બિઝનેસમાં સારો નફો હોવાની વાત  કરતા મેં તથા મારા શિષ્ય દિપેશે ભેગા મળીને હરીશ જાદવ સાથે ભાગીદારી પેઢી બનાવી ધંધો શરૃ કર્યો હતો. અમે ધંધામાં  રોકાણ કર્યું હતું. ત્યારબાદ હરીશ જાદવે એક નવી સ્કીમ જણાવી હતી કે, મારા પરિચયમાં મુંબઇના રાકેશ પાંડે છે. તેઓ બે દિવસમાં ૨૦ થી ૨૫ ટકા પ્રોફિટ આપે છે. હું તે પાર્ટીને સારી રીતે ઓળખું છું. તમામ જવાબદારી લેવા હું તૈયાર છું. તેમની વાતો પર ભરોસો કરી અમે રોકાણ કરવાનું નક્કી કર્યું હતું. પરંતુ, ત્યારબાદ અમને રૃપિયા તથા નફો મળ્યો નહતો. હરીશ જાદવને લખાણ કરી આપવાનું કહેતા તેઓ બહાના બતાવતા હતા. મેં પોલીસ કેસ  કરવાની વાત કરતા તેમણે મને ૧.૭૫ કરોડ પરત આપવાનું લખાણ કરી આપ્યું હતું. હરીશ જાદવે તમામ રૃપિયાનું લખાણ કરી આપવાની ના પાડી હતી. હરીશ જાદવે આપેલો ૧.૭૫ કરોડનો ચેક રિટર્ન થયો હતો. અમારા રૃપિયાનું  રોકાણ રાકેશ ગીરીજાશંકર પાંડે (રહે. અસ્મિતા જ્યોતિ હાઉસિંગ સોસાયટી, મલાડ વેસ્ટ, મુંબઇ, મૂળ રહે. યુ.પી.)ને આપ્યા હોવાનું હરીશ જાદવે જણાવ્યું હતું. બંનેેએ ભેગા મળીને અમારી પાસેથી કુલ ૨.૮૦ કરોડ મેળવી તેની સામે ૧૫ કરોડના નફાનો ડી.ડી. બતાવી છેતરપિંડી કરી હતી.