Gujarat

આણંદના તારાપુરમાં ચાર કલાકમાં 2.75, ખંભાતમાં બે ઈંચ વરસાદ

By GS TEAM
20 Jun 20252 mins read
આણંદના તારાપુરમાં ચાર કલાકમાં 2.75, ખંભાતમાં બે ઈંચ વરસાદ

ખેડા જિલ્લામાં ધીમીધારે વરસાદ યથાવત્

બુધવારે મોડી રાતથી પરોઢ સુધી વરસેલા વરસાદમાં નીચાણવાળા વિસ્તારો બેટમાં ફેરવાયા

આણંદ, નડિયાદ: આણંદ જિલ્લામાં ગતરોજ સવારથી મેઘરાજાએ વિરામ ફરમાવતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો. જોકે મોડી રાતથી વહેલી પરોઢ સુધી જિલ્લાના તારાપુર તાલુકામાં લગભગ પોણા ત્રણ ઇંચ જ્યારે ખંભાત તાલુકામાં બે ઇંચ વરસાદ વરસ્યો હતો. ખેડા જિલ્લામાં પણ વરસાદી ઝાપટાં વરસવાના શરૂ રહ્યા હતા.

આણંદ જિલ્લામાં બુધવારના રોજ વહેલી સવારથી જ મેઘરાજાએ વિરામ ફરમાવ્યો હતો અને ઉઘાડ નીકળતા લોકોએ રાહત અનુભવી હતી. દરમિયાન મોડી રાત્રિના સુમારે સમગ્ર જિલ્લામાં પુનઃ એક વાર વરસાદનું આગમન થયું હતું. તેમાં પણ જિલ્લાના તારાપુર તાલુકામાં મોડી રાત્રિના બે વાગ્યાથી વહેલી સવારના છ કલાક સુધીમાં લગભગ પોણા ત્રણ ઇંચ વરસાદ ખાબક્યો હતો. ત્યારે નીચાણવાળા વિસ્તારો બેટમાં ફેરવાઈ ગયા હતા. સાથે સાથે પેટલાદ તાલુકામાં પણ રાત્રિના બેથી સવારના ૬ કલાક દરમિયાન ૩૧ મિ.મી., ખંભાત તાલુકામાં ૫૨ મિ.મી., બોરસદ તાલુકામાં ૩૫ મિ.મી. અને આંકલાવ તાલુકામાં ૨૪ મિ.મી. વરસાદ નોંધાયો હતો.

નડિયાદ સહિત સમગ્ર ખેડા જિલ્લામાં આજે વહેલી સવારથી જ છૂટાછવાયા સ્થળોએ વરસાદી ઝાપટાં પડી રહ્યા છે. આ વરસાદી માહોલ વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલી આકરી ગરમીથી જિલ્લાવાસીઓને રાહત મળી છે. નડિયાદ, ઠાસરા, કપડવંજ, માતર, વસો સહિતના તાલુકાઓમાં આજે વહેલી સવારથી જ મેઘરાજાની હાજરી વર્તાઈ રહી છે. આવા ઝરમર વરસાદને પગલે ખેડૂતોમાં સંતોષની લાગણી પ્રસરી છે. નડિયાદમાં વહેલી સવારે વરસેલા વરસાદના પગલે કેટલાક રોડ પર સામાન્ય પાણી ભરાયા હતા અને ગણતરીના સમયમાં જ ઉતરી ગયા હતા. બપોર પછી વરસાદે વિરામ લીધો હતો, પરંતુ આકાશમાં ઘેરાયેલા ગાઢ વાદળો આગામી સમયમાં વરસાદનો અંદેશો આપી રહ્યા છે.

- આણંદ જિલ્લામાં યલો એલર્ટ હળવાથી મધ્યમ વરસાદની સંભાવના

હવામાન વિભાગ દ્વારા આજે આણંદ જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું અને છૂટા છવાયા સ્થળોએ ભારે વરસાદ વરસવાની સંભાવના વ્યક્ત કરાઈ હતી જોકે વહેલી સવારથી આજે વરસાદે પુનઃ વિરામ લીધો હતો. દિવસ દરમિયાન વાદળછાયું વાતાવરણ રહેતા જિલ્લા વાસીઓએ બાફ અને ઉકલાટભર્યા વાતાવરણમાંથી રાહત અનુભવી હતી. આગામી દિવસો દરમિયાન જિલ્લામાં છુટા છવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા વરસવાની સંભાવના છે.

ખેડા તાલુકામાં સિઝનનો વરસાદ

 

તાલુકો

કુલ વરસાદ

નડિયાદ

૨૧૮ મિ.મી.

વસો

૨૦૨ મિ.મી.

માતર

૧૮૧ મિ.મી.

કપડવંજ

૧૪૯ મિ.મી.

મહેમદાવાદ

૧૪૯ મિ.મી.

કઠલાલ

૧૦૧ મિ.મી.

મહુધા

૯૮ મિ.મી.

ખેડા

૯૦ મિ.મી.

ઠાસરા

૫૭ મિ.મી.

ગળતેશ્વર

૪૨ મિ.મી