Get The App

વિસાવદર ક્ષેત્રના 2.61 લાખ મતદારો 16 ઉમેદવારના ભાવિનો ફેંસલો કરશે

Updated: Jun 18th, 2025

GS TEAM

Google News
Google News
વિસાવદર ક્ષેત્રના 2.61 લાખ મતદારો 16 ઉમેદવારના ભાવિનો ફેંસલો કરશે 1 - image


આજે વરસાદી માહોલમાં 294 મથક પર મતદાન 1292 પોલીંગ કર્મચારીઓ અને પેરા મિલિટરીના જવાન મળી 1500 સુરક્ષા કર્મીઓનો બંદોબસ્ત : રાજકીય પક્ષ દ્વારા અંતિમ ઘડી સુધી જોર લગાવાયું 

જૂનાગઢ, : વિસાવદર વિધાનસભા બેઠક પર આવતીકાલે તા. 19ના પેટા ચૂંટણી યોજાશે. વરસાદી માહોલમાં 294 મતદાન દરમ્યાન 1292 પોલીંગ કર્મચારીઓ અને પેરામિલીટરીના જવાન સહિત 1500  સુરક્ષાકર્મીઓનો બંદોબસ્ત રહેશે. વિસ્તારના 2.61 લાખ મતદારો ઈવીએમમાં મત આપી 16 ઉમેદવારોના ભાવિનો ફેંસલો કરશે. આજે ડોર ટુ ડોર પ્રચારના અંતિમ દિવસે રાજકીય પક્ષો દ્વારા મતદારોને રિઝવવા માટે અંતિમ ઘડી સુધી જોર લગાવવામાં આવ્યું હતું.

સમગ્ર રાજ્યમાં વિસાવદર વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી ચર્ચાનું કેન્દ્ર બની છે. આવતીકાલે તા. 19 જૂનના વિસાવદર, ભેસાણ અને જૂનાગઢ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં આવેલા 294 મતદાન મથક પર વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણી યોજાશે. વરસાદી માહોલ વચ્ચે સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી મતદાન પ્રક્રિયા થશે.

આજે માંડાવડ શૈક્ષણીક સંકુલ ખાતેના ડીસ્પેચ સેન્ટર ખાતેથી પોલીંગ સ્ટાફને ઈવીએમ તેમજ અન્ય ચૂંટણી સાહિત્ય સોંપી રવાના કરવામાં આવ્યો હતો. આજે બપોર સુધીમાં તમામ પોલીંગ સ્ટાફ જે તે મતદાન મથક ખાતે પહોંચી ગયો હતો. વિસાવદર વિધાનસભા ક્ષેત્રમાં જંગલમાં રહેતા માલધારીઓ માટે કનકાઈ મતદાન મથક પર મતદાન યોજાશે. જ્યાં 122 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટેની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. 294 મતદાન મથક પર પ્રિસાઈડીંગ, ફર્સ્ટ પોલીંગ ઓફિસર, પોલીંગ ઓફિસર, પ્યુન, ઝોનલ ઓફિસર સહિત 1292 જેટલા કર્મચારીઓ-અધિકારીઓ ફરજ બજાવશે. આ ઉપરાંત પેરા મિલીટરી ફોર્સની સાત કંપની સહિતના ૧પ૦૦ જવાનોનો સુરક્ષા બંદોબસ્ત રાખવામાં આવશે.

3 તાલુકાનો મત વિસ્તાર ધરાવતી વિસાવદર બેઠક પર 1,35,612 પુરૂક્ષ અને 1,25,490 મહિલા મળી કુલ 2,61,106 મતદારો નોંધાયા છે. ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ, આપ, પ્રજા શક્તિ પાર્ટીના ઉમેદવાર તેમજ  12 અપક્ષ ઉમેદવારો મેદાનમાં છે. આવતીકાલે 2,61 લાખ મતદારો આ 16 ઉમેદવારોના ભાવિનો ફેંસલો કરશે. આવતીકાલે સાંજે 6 વાગ્યે ઉમેદવારોનું ભાવિ ઈવીએમમાં કેદ થઈ જશે અને તા. 23ના જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીમાં આવેલી કૃષિ ઈજનેરી અને ટેકનોલોજી કોલેજ ખાતે મતગણતરી થશે. એ સાથે વિસાવદર બેઠક પર કોણ બાજી મારે છે તે સ્પષ્ટ થઈ જશે.

વિસાવદર બેઠક પર સૌથી ઓછું મતદાન 2007માં થયું હતું 

વિસાવદર વિધાનસભા બેઠક પર 2002 માં 61.65, 2007માં 53.64 20212 માં 66.09 2014માં પેટા ચૂંટણીમાં 56.20, 2017માં 62.32 2022માં 56.59 ટકા મતદાન થયું હતું. આમ છેલ્લી 6 વિધાનસભાની ચૂંટણીમાં સૌથી ઓછું 2007માં 53.64 અને સૌથી વધુ 2012માં 66.09 ટકા મતદાન થયું હતું. જ્યારે 2019માં યોજાયેલી લોકસભા ચૂંટણી વખતે વિસાવદર વિધાનસભા વિસ્તારમાં માત્ર 46.58 ટકા જ મતદાન થયું હતું.

Tags :