Gujarat

વડોદરાનો 2.44 કરોડનો દારૃનો કેસઃ સૂત્રધાર રાજુરામ બિશ્નોઇએ 20 દિવસમાં દારૃની 7 ટ્રકો મંગાવી

By GS TEAM
18 Jun 20252 mins read
વડોદરાનો 2.44 કરોડનો દારૃનો કેસઃ સૂત્રધાર રાજુરામ બિશ્નોઇએ 20 દિવસમાં દારૃની 7 ટ્રકો મંગાવી

વડોદરાઃ દશરથમાં સ્ટેટ મોનિટરિંગ સેલે દારૃના ગોડાઉન પર દરોડો પાડી પકડેલા રૃ.૨.૪૪ કરોડના દારૃ કેસમાં છાણીના પીઆઇને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.જ્યારે,આ કેસની તપાસ પીસીબીને સોંપાતા પોલીસની ટીમે સૂત્રધાર રાજુરામ  બિશ્નોઇને શોધવા રાજસ્થાનમાં છાપા માર્યા છે.

શહેર પાસે દશરથ ગામે બાલાજી ટ્રેડર્સના ગોડાઉનમાં બિશ્નોઇ ગેંગનો રાજુરામ દારૃનો મોટો જથ્થો ઉતારનાર હોવાની વિગતોને પગલે સ્ટેટ મોનિટરિંગ સેલે દરોડો પાડી દારૃનું કન્ટેનર ખાલી કરતા ચાર ખેપિયાને પકડયા હતા.આ કેસમાં કુલ ૨.૬૯ કરોડનો મુદ્દામાલ કબજે થતાં છાણીના પીઆઇ એ પી ગઢવીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

બીજીતરફ પોલીસ કમિશનરે પીસીબીને તપાસ સોંપતા પીઆઇ સીબી ટંડેલે સૂત્રધાર રાજુરામ બિશ્નોઇને શોધવા એક ટીમને સાંચોર ખાતે મોકલી દરોડો પાડયો છે.જ્યારે બીજી ટીમે રાજુરામે રાખેલા સમા-સાવલી રોડના ઓર્ચિસ હાર્મની,સમા-સાવલી રોડ તેમજ દુમાડ પાસેના રોયલ પર્લ ફ્લેટ્સમાં સર્ચ કરી દારૃના કટિંગ માટે રાખેલી  બોલેરો કબજે કરી હતી.

પકડાયેલા ચાર ખેપિયાની પૂછપરછ દરમિયાન રાજુરામે ૨૦ દિવસથી તેમને પગારથી રાખ્યા હોવાની અને તેણે છ થી સાત ટ્રક મંગાવી બોલેરોમાં પંચમહાલ તરફ કટિંગ કર્યું હોવાની વિગતો ખૂલી છે.પીઆઇ ટંડેલે કહ્યું હતું કે,દારૃના એક જ બ્રાન્ડના ક્વાર્ટરિયા મળ્યા છે જેની ડિમાન્ડ સરહદી ગામોમાં વધુ હોય છે.

મહિના પહેલાં ગોડાઉન રાખનાર બૂટલેગર રાજુરામ બિશ્નોઇએ ભાડાકરારમાં અટક કાઢી નાંખી

બૂટલેગર રાજુરામ  બિશ્નોઇએ ગોડાઉનનો ભાડાકરાર પોલીસ સમક્ષ રજૂ કર્યો હતો.જેમાં તેણે પોતાની અટકનો ઉલ્લેખ કર્યો નહતો.

પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ,અન્ય જિલ્લાઓમાં દારૃનું કટિંગ આસાનીથી થઇ શકે તે માટે રાજુરામ બિશ્નોઇએ હાઇવે પાસે આવેલા બાલાજી ટ્રેડર્સના ૭૩વર્ષીય માલિક નટુભાઇ પૂંજાભાઇ  પટેલ(પરાગપાર્ક,દશરથગામ)ને જયઅંબે ટ્રેડર્સના નામે ડિસ્ટિલ વોટર અને પેપરડીસનો ધંધો કરતો હોવાનું કહી માસિક રૃ.૧૮ હજાર ભાડામાં ગોડાઉન રાખ્યું હતું.

માલિકે ભાડાકરાર કરી પોલીસને જાણ કરવાનો આગ્રહ રાખતાં રાજુરામે ભાડાકરાર તૈયાર કરી તેમાં પોતાની અટક લખી નહતી, અને છાણી પોલીસમાં કરાર રજૂ કર્યો હતો.

કન્ટેનરની નંબર પ્લેટ પણ  બોગસ,ગોવા થી વડોદરા સુધી ચેકિંગ જ ન થયું

પીસીબીની પ્રાથમિક તપાસમાં દારૃના કન્ટેનરની નંબર પ્લેટ બોગસ જણાઇ આવી છે.જેથી આ કેસમાં તેની કલમનો ઉમેરો કરવામાં આવનાર છે.દારૃના એક જ બ્રાન્ડનો મોટો જથ્થો ગોવાથી આવ્યો હોવાની પણ માહિતી મળી છે.જેને વડોદરા સુધી ક્યાંય રોકટોક થઇ નહતી.