Get The App

રાજકોટ યાર્ડમાં એક સાથે 2.25 લાખ મણ મગફળી ઠલવાઈ, રોજ 25 હજાર મણ વેચાણ

Updated: Nov 30th, 2025

GS TEAM

Google News
Google News
રાજકોટ યાર્ડમાં એક સાથે 2.25 લાખ મણ મગફળી ઠલવાઈ, રોજ 25 હજાર મણ વેચાણ 1 - image

મગફળીની ધોધમાર આવક સાથે સિંગતેલમાં કૃત્રિમ તેજીને બ્રેક

ગુજરાતમાં વિક્રમી ૬૬ લાખ  સહિત દેશમાં આ વર્ષે ૧૧૦ લાખ ટન મગફળીનું ઉત્પાદન, દાણામાંથી સરેરાશ ૫૦ ટકા સિંગતેલ નીકળે છે

રાજકોટ: રાજકોટ માર્કેટ યાર્ડમાં મગફળીના ભાવ સુધરતા ખેડૂતો ધોધમાર જણસી ઠાલવી રહ્યા છે. આજે એક દિવસમાં જ યાર્ડમાં ૪૫ લાખ કિલો અર્થાત્ ૨.૨૫ લાખ મણ મગફળીના ઢગલા થયા હતા. યાર્ડના સૂત્રોએ જણાવ્યું કે દૈનિક સરેરાશ ૨૫ હજાર મણથી વધુ મગફળીનું હાલ વેચાણ થાય છે. 

મગફળીના આજે રૂ।.૯૮૦થી ૧૩૯૦ના ભાવે સોદા પડયા હતા જે સીઝનની શરુઆત કરતા રૂ।.૨૦૦ જેટલા ઉંચા ભાવ છે. ટેકાના ભાવ બજારભાવ  કરતા આશરે ૧૦૦થી ૧૫૦ વધારે છે પરંતુ, યાર્ડમાં રીજેક્શન નહીવત્, ઝડપી ચૂકવણુને પગલે ખેડૂતો જણસી વેચવા યાર્ડ ભણી વળ્યા છે. 

ગુજરાતમાં આ વર્ષે ૬૬ લાખ ટન સાથે સમગ્ર દેશમાં ૧૧૦ લાખ ટન મગફળીનું બમ્પર ઉત્પાદન છે. મગફળીમાંથી આશરે ૩૦ ટકા જેટલા ફોતરાં નીકળે છે જેના પણ બજારમાં પુરતા ભાવ મળતા હોય છે. જ્યારે મગફળીના દાણાને ઓઈલમિલમાં પીલતા સરેરાશ ૫૦ ટકા જેટલું સિંગતેલ મળે છે.

મગફળીની આવક વધવા સાથે સિંગતેલના ભાવમાં માંગ સ્થિર,સપ્લાયમાં વધારો છતાં ગત એક માસમાં દેખાતી કૃત્રિમ તેજી આગળ વધતા અટકી છે. જો કે સિંગતેલ અને કપાસિયા-પામતેલ વચ્ચેનો ફરક વધારે રહ્યો છે જે એક સમયે નહીવત્ થઈ જતા વેપારીઓ પણ સિંગતેલ તરફ વળ્યા હતા.