ભાવનગરમાં 2,065 કરદાતાએ કુલ રૂા. 1.06 લાખનો વ્યવસાય વેરો ભર્યો
- મહાપાલિકાના વ્યવસાય વેરા વિભાગમાં 16,190 નોંધાયેલા કરદાતા
- નવા નાણાંકીય વર્ષમાં વ્યવસાય વેરો વસુલવા મહાપાલિકાની કાર્યવાહી શરૂ
મહાપાલિકામાં મિલકત વેરામાં રિબેટ યોજના આપવામાં આવે છે, જેના પગલે કરદાતાઓ ફટાફટ મિલકત વેરો ભરતા હોય છે અને મહાપાલિકાને મિલકત વેરાની આવક પણ સારી થતી હોય છે પરંતુ વ્યવસાય વેરામાં આવી કોઈ યોજના જાહેર કરવામાં આવતી નથી તેથી વ્યવસાય વેરો ભરવામાં વેપારીઓ ઉતાવળ કરતા નથી. નવા નાણાંકીય વર્ષમાં વ્યવસાય વેરો વસુલવા માટે મહાપાલિકાએ કાર્યવાહી હાથ ધરી છે અને વેપારીઓને મોબાઈલ પર મેસેજ કરવામાં આવી રહ્યા છે તેમજ બિલ આપવાનુ પણ ચાલુ માસથી શરૂ કરવામાં આવેલ છે. મહાપાલિકામાં ગત તા. ૧ એપ્રિલથી ગત તા. ૧ર મે-ર૦રપ સુધીમાં કુલ ર૦૬પ કરદાતાએ રૂા. ૧,૦૬,૩૭,૯૩ર નો વ્યવસાય વેરો ભર્યો છે.
હાલ મહાપાલિકાના વ્યવસાય વેરા વિભાગના ચોપડે કુલ ૧૬,૧૯૦ કરદાતાઓ નોંધાયેલા છે, જેમાંથી હજુ મોટાભાગના કરદાતાએ વ્યવસાય વેરો ભર્યો નથી. વ્યવસાય વેરો સમયસર ભરી દેવા માટે વ્યવસાય વેરા વિભાગના અધિકારીએ અનુરોધ કર્યો છે. વ્યવસાય વેરો વસુલવા માટે આગામી દિવસોમાં ભાવનગર મહાપાલિકા દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવશે તેમ જાણવા મળેલ છે. નવા ખાતા ખોલવા માટે વ્યવસાય વિભાગ દ્વારા સર્વે પણ કરવામાં આવી રહ્યો છે અને વેપારીઓને રજીસ્ટ્રેશન કરવા પણ જણાવવામાં આવી રહ્યુ છે.