ખેડા જિલ્લામાં 190 મોટા અને 500 મન્નતના તાજિયા નીકળ્યા
- મસ્જિદોમાં ખાસ નમાજ અદા કરાઈ
- ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે નડિયાદ શહેર સહિત ગામોમાં મહોરમ પર્વની શાંતિપૂર્ણ ઉજવણી
સમગ્ર રાજ્યની સાથે આજે મોહરમ પર્વ નિમિત્તે નડિયાદ શહેરમાં ગાજીપુરવાડાથી તાજિયાનું જુલૂસ કાઢવામાં આવ્યું હતું. જે શહેરના જુદા જુદા માર્ગો ઉપરથી પસાર થયું હતું. આ પ્રસંગે જોડાયેલા બિરાદરોને ઠેર ઠેર શરબત તેમજ મીઠાઈ ખવડાવવામાં આવી હતી. આ પ્રસંગે યા હુસેન, યા હુસેન તેમજ હુસેન જિંદાબાદના નારાથી વાતાવરણ ગુંજી ઉઠયું હતું. કઠલાલના નગરના ઈન્દિરાનગરમાંથી કલાત્મક તાજિયાઓ જુલૂસ સ્વરૂપે નીકળી મુખ્ય બજારના ચોકમાં લવાયા હતા. ત્યાં તાજિયા ઠંડા કરી લઈ જવાયા હતા. ખેડા જિલ્લામાં નડિયાદ, મહુધા, ચકલાસી, ખેડા, માતર, મહેમદાવાદ, નરસંડા, મિત્રાલ, વસો સહિત શહેર ગામોમાં ૧૯૦ જેટલા મોટા જ્યારે ૫૦૦ ઉપરાત મન્નતના નાના તાજિયાનું ઝુલૂસ કાઢવામાં આવ્યા હતા. આજે મહોરમ નિમિત્તે સવારે મસ્જિદોમાં આસૂરાની ખાસ નમાજ અદા કરવામાં આવી હતી. મોહરમ પર્વની શાંતિપૂર્ણ રીતે ઉજવણી સંપન્ન થઈ હતી. આ પ્રસંગે પોલીસ તંત્ર દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.