Get The App

થાઇલેન્ડના પટાયામાં પોરબંદરના 19 યુવક- યુવતીઓ જોબનાં નામે ફસાયાં

Updated: Jun 21st, 2025

GS TEAM

Google News
Google News
થાઇલેન્ડના પટાયામાં પોરબંદરના 19 યુવક- યુવતીઓ જોબનાં નામે ફસાયાં 1 - image


વિદેશમાં નોકરીનાં નામે વધુ એક કૌભાંડ

હોટલમાં હાઉસ કિપિંગની નોકરીની લાલચ આપી મૂળ પોરબંદરના અને હાલ સાયપ્રસ રહેતા શખ્સ સહિત બેએ દરેક પાસેથી લાખોની રકમ પડાવી

સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ પરથી મદદની અપીલ કરતાં ઇન્ડિયન કોમ્યુનિટી દ્વારા વતન મોકલવાની વ્યવસ્થા હાથ ધરાઇ

પોરબંદર: પોરબંદરથી વિદેશમાં નોકરીના નામે અવારનવાર લાખો રૂપિયાના ચીંટીંગ થઇ રહ્યા છે ત્યારે આવો વધુ એક કિસ્સો સામે આવ્યો છે જેમાં પોરબંદર શહેર અને આજુબાજુના ગામડાના ૧૯ યુવક- યુવતીઓને થાઇલેન્ડના પટાયામાં હોટલમાં હાઉસ કિપીંગની નોકરીના બહાને સાડા ત્રણથી ચાર લાખ રૂપિયા ખંખેર્યા બાદ તેઓને નોકરી નહી અપાવતા આ યુવક-યુવતીઓ ત્યા ફસાઇ જતા ત્યાની ઇન્ડિયન કોમ્યુનિટી દ્વારા તેમને વતન મોકલવાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે.

જાણવા મળતી વિગત પ્રમાણે થાઇલેન્ડના પટાયા ખાતે નોકરીના બહાને લાખો રૂપિયા દઇને ત્યાં બે મહિના પહેલા ગયેલા ૧૯ જેટલા યુવક-યુવતીઓને નોકરી અપાવવામાં આવી નથી ત્યારે ફસાઇ ગયેલા આ યુવક-યુવતીઓએ  સોશ્યલ મીડિયાના માધ્યમથી વીડિયો વાયરલ કરીને પોતાની આપવિતી વર્ણવી હતી.

પટાયા ખાતે ફસાયેલા આ યુવક-યુવતીઓએ જણાવ્યંુ હતું કે મૂળ પોરબંદર તથા હાલ સાયપ્રસ રહેતા એક શખ્સ અને એક પંજાબી શખ્સ દ્વારા તેઓને બોટલમાં ઉતારવામાં આવ્યા છે. તેમને એવુ જણાવ્યુ હતુ કે પટાયા અને બેંગકોક ખાતે હોટલમાં હાઉસ કીપીંગની જોબ છે, ૫૦ હજાર રૂપિયા મહિને પગાર ચૂકવવામાં આવશે અને બે વર્ષના વિઝા પણ આપવામાં આવશે. ૧૯ જેટલા યુવક-યુવતીઓ પાસેથી સાડાત્રણથી ચાર લાખ રૂપિયા પડાવાયા હતા અને ૨૭ એપ્રિલના તેઓને થાઇલેન્ડ મોકલ્યા હતા. ત્યાં ગયા બાદ કોઇપણ પ્રકારની નોકરી મળી ન હતી. તે દરમ્યાન તેઓ તેમની સાથે લઇ ગયેલી કરન્સી પણ પૂરી થઇ ગઇ હતી અને રહેવા તથા જમવાના ફાંફા પડવા લાગ્યા હતા, તેમના વિઝા ૨૫ જૂને પૂર્ણ થઇ રહ્યા છે.

મુશ્કેલીમાં મુકાઇ ગયેલા યુવક-યુવતીઓએ સોશ્યલ મીડિયાના માધ્યમથી મદદ માંગી હતી. વાયરલ થયેલા વીડિયો અંગેની જાણ થાઇલેન્ડમાં વસતી ઇન્ડિયન કોમ્યુનિટીને થતા પટાયા કોમ્યુનિટી દ્વારા રહેવા જમવાની વ્યવસ્થા કરી આપવા સહિત તેઓને વતન મોકલવા માટેની પણ કાર્યવાહી હાથ ધરાઇ છે. આ ૧૯ યુવક-યુવતીઓના પરિવારજનો પણ ચિંતાતુર બની ગયા છે અને તેમના સંતાનો વહેલી તકે હેમખેમ પરત આવી જાય તેની રાહ જોઈ રહ્યા છે.

પોરબંદર શહેરનાં 16 અને ગ્રામ્યપંથકનાં 3 યુવક-યુવતી

જે યુવક- યુવતીઓને ૫૦ હજાર રૂપિયાના પગારની લાલચ આપીને વિદેશ લઇ જવામાં આવ્યા છે તે ૧૯માંથી ૭ પોરબંદરના આંબેડકરનગરના, ૪ છાયાના વણકરવાસના, વીરડીપ્લોટ વિસ્તારનો ૧, ગીતાનગરનો ૧, ઉદ્યોગનગર ઘાસ ગોડાઉન વિસ્તારનો ૧, કડીયાપ્લોટનો ૧, પોરબંદર નજીક રાણાવડવાળાનો ૧ અને મજીવાણાનો ૧ સમાવિષ્ટ છે.

Tags :