Gujarat

યુનિ.ના પદવીદાન સમારોહમાં 229માંથી 188 ગોલ્ડ મેડાલિસ્ટ વિદ્યાર્થીઓ હાજર રહેશે

By GS TEAM
5 Nov 20252 mins read
યુનિ.ના પદવીદાન સમારોહમાં 229માંથી 188 ગોલ્ડ મેડાલિસ્ટ  વિદ્યાર્થીઓ હાજર રહેશે

વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીમાં ત્રણ વર્ષ બાદ ગોલ્ડ મેડાલિસ્ટ સ્ટુડન્ટસનો સન્માન સમારોહ પદવીદાન સમારોહની પૂર્વ સંધ્યાએ એટલે કે તા.૭ નવેમ્બરના વાઈસ ચાન્સેલરના નિવાસ સ્થાને  યોજાશે.

વિદ્યાર્થી વિરોધી માનસિકતા ધરાવતા તત્કાલિન વાઈસ ચાન્સેલર ડો.શ્રીવાસ્તવને આ પરંપરાને આગળ ધપાવવામાં રસ નહોતો.જોકે વર્તમાન વાઈસ ચાન્સેલરે ફરી વી આર પ્રાઉડ ઓફ યુ...સમારોહને લીલી ઝંડી આપી છે.

દરમિયાન  દિવાળી વેકેશન ચાલતું હોવાથી યુનિવર્સિટી સત્તાધીશોએ ગોલ્ડ મેડલ મેળવનારા ૨૨૯ સ્ટુડન્ટસને  ઈ મેઈલ મોકલીને તેઓ હાજર રહેશે કે નહીં તેની જાણકારી માંગી હતી.જેના જવાબમાં ૧૮૮ સ્ટુડન્ટસે પદવીદાન સમારોહમાં હાજર રહેવા માટં સંમતિ દર્શાવી છે.આ વિદ્યાર્થીઓ પૂર્વ સંધ્યાએ યોજાનારા સમારોહમાં પણ હાજર રહે તેવી શક્યતા છે.વી આર પ્રાઉડ ઓફ યુ..સમારોહમાં સ્ટુડન્ટસને યુનિવર્સિટીમાં અભ્યાસ દરમિયાન જે પણ અનુભવો થયા છે તે સ્ટેજ પરથી જણાવવાની તક આપવામાં આવે છે.સાથે સાથે તેમને ભગવદ ગીતાની એક પ્રત આપીને સન્માનિત કરાય છે.

૧૧૨૭૯ ડિગ્રી મેળવવા વિદ્યાર્થીઓ રુબરુ હાજર રહેશે

૨૫૧૩ જેટલી ડિગ્રીઓ મેળવવા માટે કોઈએ ફોર્મ ભર્યા નથી

એમ.એસ.યુનિવર્સિટીના ૭૪મા પદવીદાન સમારોહ પહેલા વિદ્યાર્થીઓ પાસે ડિગ્રી મેળવવા માટે ફોર્મ ભરાવવામાં આવે છે.

આ વર્ષે ૧૫૦૩૧ વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત થવાની છે અને તેમાંથી ૧૧૨૭૯ વિદ્યાર્થીઓએ જાતે હાજર રહીને ડિગ્રી મેળવવાનો વિકલ્પ પસંદ કર્યો છે.૧૨૩૯ વિદ્યાર્થીઓએ કુરિયરમાં ડિગ્રી મોકલવા માટેનો વિકલ્પ પસંદ કરતા આ વિદ્યાર્થીઓને કુરિયર થકી ડિગ્રી મોકલી દેવામાં આવી છે.

જ્યારે ૨૫૧૩ વિદ્યાર્થીઓ એવા છે જેમણે ફોર્મ જ ભર્યા નથી.જેના કારણે સત્તાધીશો મૂંઝવણમાં છે.અત્યારના તબક્કે આ ૨૫૧૩ વિદ્યાર્થીઓનો કોઈ અતો પતો નથી.આ વિદ્યાર્થીઓએ ડિગ્રી  માટે દાવો જ કર્યો નથી.

સૂત્રોનું કહેવું છે કે, દર વર્ષે આ પ્રકારની  સ્થિતિ સર્જાય છે.ઘણા વિદ્યાર્થીઓ પાછળથી ડિગ્રી  મેળવવા માટે આવે છે અને સેંકડો ડિગ્રીઓ એમને એમ જ પડી રહે છે.જેને લેવા માટે વર્ષો સુધી કોઈ આવતું નથી.