સયાજી અને ગોત્રી હોસ્પિટલના ૧૮૫ ડોક્ટર્સની રજા કેન્સલ પરત ડયૂટિ પર હાજર
બંને હોસ્પિટલમાં ઓક્સિજન અને વેન્ટિલેટરથી સજ્જ બે વોર્ડ પૂરતા મેડિકલ સ્ટાફ સાથે તૈયાર
વડોદરા,યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે શહેરની સયાજી હોસ્પિટલ અને ગોત્રી હોસ્પિટલમાં નવા બે વોર્ડ કાર્યરત કરવામાં આવ્યા છે. જેમાં ડોક્ટર્સની ટીમ પણ ચોવીસ કલાક માટે તૈનાત રહેશે. બંને હોસ્પિટલના ૧૮૫ ડોક્ટર્સની રજા કેન્સલ કરવામાં આવી છે.
ભારત અને પાકિસ્તાન વચ્ચે શરૃ થયેલા યુદ્ધના કારણે શહેરની બે હોસ્પિટલમાં સ્પેશ્યલ વોર્ડ શરૃ કરવામાં આવ્યા છે. સયાજી હોસ્પિટલમાં ૨૦ બેડનો એક વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે. ઇમરજન્સી દવાઓનો જથ્થો પણ તૈયાર રાખવામાં આવ્યો છે. સયાજી હોસ્પિટલના ૩૫૦ ડોક્ટર્સ પૈકી ૧૨૫ જેટલા ડોક્ટર્સ રજા પર હતા. તેઓની રજા કેન્સલ કરી દેવાતા તેઓ ફરજ પર હાજર થઇ ગયા છે.
તેવી જ રીતે ગોત્રી હોસ્પિટલમાં પણ કોવિડ સમયે ઉભા કરાયેલા સ્પેશ્યલ વોર્ડ ફરીથી કાર્યરત કરવામાં આવ્યા છે. બંને હોસ્પિટલના તમામ ડોક્ટર્સની રજા કેન્સલ કરી દેવામાં આવી છે. ગોત્રી હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડો. અનુપ ચંદાણીએ જણાવ્યું હતું કે, અમારી હોસ્પિટલના ૧૪૦ ડોક્ટર્સ પૈકી ૬૦ ડોક્ટર્સ રજા પર હતા. તે તમામ ડયૂટિ પર હાજર થઇ ગયા છે. હોસ્પિટલમાં ઓક્સિજન સપ્લાય પૂરતો છે. હાલમાં ડેપ્યૂટેશન ચાલુ છે. આ ઉપરાંત મેડિકલ ઓફિસર ક્લાસ ટુ ના ડોક્ટર્સની ટીમનેજરૃર પડયે બોર્ડર વિસ્તારમાં મોકલવાની તૈયારીઓ શરૃ કરવામાં આવી છે. તે માટે એક લિસ્ટ તૈયાર કરવામાં આવી રહ્યું છે. હાલમાં જનરલ હોસ્પિટલ, ડિસ્ટ્રિક્ટ, સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલના ડોક્ટરોની યાદી તૈયાર કરવામાં આવી રહી છે.