વડોદરામાં સયાજીપુરા રાત્રી બજારની 18 દુકાનો જાહેર હરાજી કરીને ત્રણ વર્ષ માટે ફાળવાશે
Vadodara Corporation : વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સયાજીપુરા આજવા રોડ બાયપાસ ખાતે રાત્રિ બજાર બનાવવામાં આવેલું છે. આ રાત્રિ બજારની 18 દુકાનોની જાહેર હરાજી કરી ત્રણ વર્ષની મુદત માટે ફાળવવામાં આવનાર છે. દુકાન નંબર 1, 2, 13 થી 16, 20, 24, 29 થી 35 જનરલ કેટેગરી માટે તથા દુકાન નંબર 17 (એસટી) અને દુકાન નંબર 22 (એસસી) કેટેગરી માટે છે. જેની ડિપોઝિટ અને અપસેટ વેલ્યુ એક એક લાખ રૂપિયા રાખવામાં આવેલી છે. રસ ધરાવનારાઓએ તારીખ 11 સુધીમાં કોર્પોરેશનમાં આ માટે અરજી કરી દેવા જણાવ્યું છે. ગત મે મહિનામાં પણ આ 18 દુકાનો માટે જાહેર હરાજી સંદર્ભે અરજીઓ મંગાવી હતી. હવે ફરીવાર પ્રયાસ કરવામાં આવ્યો છે. કોર્પોરેશને રાત્રી બજારમાં કુલ 35 દુકાનો તૈયાર કરી છે. જેમાંથી 31 જનરલ કેટેગરીની છે. રાત્રિ બજાર બનાવ્યું એ પછી ચાર વર્ષ સુધી કોઈ દુકાન ખરીદવા આવ્યું જ ન હતું, કેમકે એ વખતે મિનિમમ અપસેટ વેલ્યુ અને ડિપોઝિટની રકમ છ-છ લાખ રૂપિયા રાખી હતી. જે વધારે હોવાથી કોઈ ખરીદવા આવતું ન હતું, અને તેમાં તબક્કાવાર ઘટાડો કરીને છેવટે એક લાખ રૂપિયા નક્કી કરવામાં આવી હતી. ગત વર્ષે 16 દુકાનની હરાજી રાખવામાં આવી હતી. જેમાંથી 9 દુકાનની હરાજી થઈ શકી હતી, અને તમામ દુકાનની અપસેટ વેલ્યુ મળી કોર્પોરેશનને 3.21 લાખ હરાજીમાં વધુ ઉપજ્યા હતા.